રાજકોટ તા.26 : ધારાસભાની ચુંટણીની સાથોસાથ આગામી તા. 16 ડીસેમ્બરે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી જાહેર થતા રાજકોટના એક બહોળા વકીલ વર્ગમાં આ વર્ષે રાજકોટ બાર એસોસીએશનનું સુકાન રાજકોટ બાર એસોસીએશનના વરીષ્ઠ ધારાશસ્ત્રીઓ સંભાળે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
વકીલોમાં ચર્ચા છે કે, રાજકોટ બાર એસો.એ સ્વર્ગીય ધારાશાસ્ત્રીઓ સ્વ. ચીમનલાલ નાગરદાસ શાહ, સ્વ. સી.એસ. ભીમાણી, સ્વ.શરદભાઈ સોનપાલ, બેરીસ્ટર સ્વ. ચંદ્રકાન્તભાઈ મહેતા, સ્વ. મધુસુદનભાઈ સોનપાલ, સ્વ. ચીમનભાઈ શુકલ, સ્વ. નિરંજનભાઈ દફતરી, સ્વ. મુગટલાલ વોરા, સ્વ. અભયભાઈ ભારદ્વાજ વિગેરે જેવા અનેક ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓ આપ્યા છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં રાજકોટ બારની એક આગવી શાન અને ધાક હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ધીમે ધીમે બારમાં જૂથવાદ, જ્ઞાતિવાદ અને પક્ષાપક્ષીના રાજકારણને કારણે પોતાની શાન ગુમાવી પડી રહેલ છે.
આગામી વર્ષે રાજકોટની હાલની કોર્ટનું બંધાઈ રહેલ જામનગર રોડ ઉપર નવા કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર થવાનું હોય તેમજ નવા કોર્ટ બિલ્ડીંગમાં તમામ કિલોની સંપૂર્ણ સુવિધા જળવાઈ રહે તે માટે થઈને બીનવિવાદાસ્પદ સીનીયર ધારાશાસ્ત્રીઓ રાજકોટ બાર એસોસીએશનના તમામ હોદ્દાઓ ઉપર પોતે સુકાન સંભાળે એવી માંગ રાજકોટ બાર એસોસીએશનના બહોળા પ્રમાણમાં વકીલો ઉઠાવી રહ્યા છે.