રાજકોટ,તા.26 : રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની આગામી તા. 1 ડીસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપી સજ્જ કરી દેવામાં આવેલ છે. તેમજ ચૂંટણી સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન આગામી તા. 29મીના થતા આ કર્મચારીઓને બુથ પણ ફાળવી દેવાશે.
દરમિયાન ચૂંટણી તાલીમમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓને ધડાધડ નોટીસો ફટકારવાનું ચૂંટણી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં પાંચ ડઝનથી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટીસો ફટકારી ખુલાસા પુછવામાં આવેલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ-70 વિધાનસભા બેઠકના વિસ્તારમાં ચૂંટણી તાલીમ માટે 1484 જેટલા કર્મચારીઓને બોલાવવામાં આવેલ હતા જેમાંથી 28 કર્મચારીઓ ગેરહાજર રહેતા આ 28 કર્મચારીઓને નોટીસો ફટકારી ખુલાસા પુછવામાં આવેલ છે.
આવી જ રીતે રાજકોટ-69માં પાંચ તેમજ રાજકોટ-71 વિધાનસભા વિસ્તારની ચૂંટણી તાલીમમાં ગેરહાજર રહેનારા 25 જેટલા કર્મચારીઓને નોટીસો ફટકારવામાં આવી છે. અત્યાર સુધીમાં પાંચ ડઝનથી વધુ કર્મચારીઓને નોટીસો ફટકારી ખુલાસા માગવામાં આવેલ છે. ચૂંટણી તંત્ર દ્વારા ફટકારાયેલ નોટીસોના પગલે તાલીમમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.