► દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર તેલ અપાશે: દરેકને આવાસનો સંકલ્પ: અંબાજીથી ઉમરગાવ સમૃદ્ધિ કોરીડોર
રાજકોટ તા.26 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે કરેલા ચૂંટણી ઢંઢેરામાં ખાસ કરીને પ્રથમ વખત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ઈફેકટ હોવાનો સંકેત આપી દીધો છે. પક્ષે પ્રથમ વખત છોકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ ફ્રી કર્યું છે અને મીશન સ્કુલ ઓફ એકસલન્સ હેઠળ રૂા.10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓને અપગ્રેડ કરવા ખાતરી આપી છે.
રૂા.1 હજાર કરોડના ભંડોળ સાથે કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કેકા શાસ્ત્રી) હાયર એજયુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડની રચના કરી છે જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ અને યુનિ.ને અદ્યતન સુવિધાથી સજજ કરાશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ જાહેર કર્યુ હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું 100 ટકા અમલીકરણ કરીને ગુજરાતમાં દરેકને પોતાનું પાકુ ઘર મળે તે નિશ્ચીત કરાશે. રાજય સરકાર દ્વારા ફેમીલી કાર્ડ હેઠળ 1 કીલો ચણા દર મહિને અને વર્ષમાં ચાર વાર 1 લીટર તેલ ફ્રી અપાશે અને દૂરના વિસ્તારોમાં મોબાઈલ વાનથી રાસન વિતરણની વ્યવસ્થા થશે.
ભાજપે હાલમાં જ ગુજરાત યુનિફોર્મ સીવીલ કોર્ટની રચનાની જાહેરાત કરી છે અને તેનો અમલ કરવાની પણ વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત ગુજરાતમાં એવીએશન અને ડીફેન્સ મેન્યુ. હબ બનાવાશે. દેશમાં પ્રથમ વખત 3 હજાર કી.મી. લાંબો સમગ્ર ગુજરાતને આવરી લેતો પરીક્રમા પથ તૈયાર કરાશે. રાજકોટ અને વડોદરાને મેટ્રો ટ્રેન મળશે. દેવભૂમિદ્વારકા કોરીડોર તૈયાર કરાશે.
વિશ્વની સૌથી ટોચની સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 50 હજારનું અનુદાન
ગુજરાતમાં ભારતની ટોચની શિક્ષણ સંસ્થાઓ કે પછી વિશ્વની પણ રેન્કીંગમાં આવતી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર ઓબીસી/એસટી/એસસી અને ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને રૂા.50 હજારનું પ્રોત્સાહન ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મહિલા સીનીયર સીટીઝનો માટે એસટીમાં નિ:શુલ્ક મુસાફરી
મહિલાઓ માટે 1 લાખ સરકારી નોકરી: નબળા વર્ગના પરિવારની દીકરીઓને ઈ-સ્કુટી
ગુજરાતમાં મહિલા સીનીયર સીટીઝનો માટે નિ:શુલ્ક બસ મુસાફરી યોજના લાવવાની જાહેરાત કરી હતી તેમજ પાંચ વર્ષમાં મહિલાઓ માટે એક લાખથી વધુ સરકારી નોકરીની જાહેરાત કરી છે. આર્થિક રીતે નબળા પરિવારોની કોલેજ જતી ડીગ્રીઓને મેરીટ મુજબ ઈ-સ્કુટી આપવા શારદા મહેતા યોજના શરુ કરી છે.