FIFA WC 2022 : ચાર વખતનું ચેમ્પિયન જર્મની ‘આઉટ’ થવાની અણીએ: મોરક્કોએ કર્યો બેલ્જીયમનો શિકાર: મેક્સિકોને રગદોળતું આર્જેન્ટીના

28 November 2022 10:42 AM
India Sports World
  • FIFA WC 2022 : ચાર વખતનું ચેમ્પિયન જર્મની ‘આઉટ’ થવાની અણીએ: મોરક્કોએ કર્યો બેલ્જીયમનો શિકાર: મેક્સિકોને રગદોળતું આર્જેન્ટીના

◙ ફિફા વર્લ્ડકપમાં ત્રીજા મેજર અપસેટ ઉપરાંત રમાયા અન્ય ત્રણ કાંટે કી ટક્કર સમા મુકાબલા

◙ જર્મની સામે મુકાબલો 1-1થી ડ્રો રહેતાં હવે સ્પેને કોસ્ટારિકાને મોટા અંતરથી હરાવવું પડશે સાથે સાથે સ્પેન જાપાનને હરાવી દે તેવી કરવી પડશે પ્રાર્થના: મેચની 82 મિનિટ સુધી જર્મની હારી રહ્યું હતું; જો કે 83મી મિનિટે ફુલક્રૂઝે ગોલ કરી ટીમને હારથી બચાવી

◙ દુનિયાની બીજા નંબરની ટીમ બેલ્જીયમ સામે મોરક્કોએ 19 મિનિટની અંદર બે ગોલ ફટકારી મેળવી જીત: હવે બેલ્જીયમે ક્રોએશિયાને હરાવવું જ પડશે નહીંતર તે પણ બહાર ફેંકાઈ જશે

◙ ક્રોએશિયાએ 4-1થી જીત મેળવી કેનેડાને કર્યું બહાર: અલ્ફાન્સો ડેવિસે 68મી સેક્ધડમાં ગોલ ફટકારી વર્લ્ડકપનો સૌથી ઝડપી ગોલ કર્યો

◙ રેકોર્ડબ્રેક 88966 દર્શકોની હાજરીમાં મેસ્સીએ બતાવ્યો મેજિક: આર્જેન્ટીનાએ મેક્સિકોને 2-0થી હરાવ્યું

નવીદિલ્હી, તા.28
ચાર વખતનું વર્લ્ડ ચેમ્પિયન જર્મની કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપમાંથી બહાર થવાની અણીએ પહોંચી ચૂક્યું છે. 2014ના ચેમ્પિયન જર્મનીએ સ્પેન સાથે 1-1થી મુકાબલો ડ્રો થતાં પોઈન્ટ વહેંચવા પડ્યા હતા.અલ બેત સ્ટેડિયમ પર રમાયેલા આ મુકાબલામાં 82 મિનિટ સુધી જર્મનીની ટીમ એક ગોલથી પાછળ રહી હતી. 83મી મિનિટમાં નિકલસ ફુલક્રૂઝે ગોલ કરી સ્કોર બરાબર કરી દીધો હતો. આ પહેલાં 62મી મિનિટમાં એલ્વારો મોરટાએ સ્પેનને 1-0થી લીડ અપાવી હતી. મુકાબલાનો પ્રથમ હાફ ગોલરહિત રહ્યો હતો.

સ્પેન ચાર પોઈન્ટ સાથે ગ્રુપ-ઈમાં ટોચ પર છે. જ્યારે જર્મની એક પોઈન્ટ સાથે નીચલા સ્થાને છે. જ્યારે જાપાન ત્રણ પોઈન્ટ સાથે બીજા તો કોસ્ટા રિકા ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. સ્પેન વિરુદ્ધ મેચ ડ્રો રહેતાં જર્મનીની આગળ જવાની શક્યતા ઘટી ગઈ છે. તેણે આગળ જવા માટે કોસ્ટા રિકા વિરુદ્ધ પોતાની આગલી મેચ કોઈ પણ સ્થિતિમાં મોટા અંતરથી જીતવી પડશે. સાથે જ એવી પ્રાર્થના કરવી પડશે કે સ્પેન જાપાનને હરાવી દે.

આવી જ રીતે વર્લ્ડકપમાં ત્રીજો મેજર અપસેટ સર્જીને મોરક્કોએ દિગ્ગજ બેલ્જીયમનો શિકાર કર્યો હતો. દુનિયાની બીજા નંબરની ટીમ બેલ્જીયમને 22મા નંબરની ટીમ મોરક્કોએ 19 મિનિટની અંદર બે ગોલ કરીને તહેસ નહેસ કરી નાખી હતી. આ જીતથી મોરક્કો 36 વર્ષ બાદ નોકઆઉટની નજીક પહોંચી ગયું છે. તેની પાસે ચાર પોઈન્ટ હોવાથી તે પ્રથમ ક્રમે છે. અંતિમ મેચમાં તેનો સામનો કેનેડા સામે થશે. મોરક્કો માટે સબસ્ટીટયુટ અબ્દેલહામિદ સાબિરીએ 73મી મિનિટ અને જકારિયા અબોખલાલ (90+2મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો.

બેલ્જીયમની આ વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાં 1994 બાદ પહેલીહાર છે. ત્યારે તેને સઉદી અરબે 1-0થી હરાવ્યું હતું. ટીમ આ પહેલાં પોતાના પાછલા સાત ગ્રુપ મેચથી અજેય હતી. બેલ્જીયમ ત્રણ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તેની અંતિમ-16માં પહોંચવાની સંભાવના હવે કપરી બની ચૂકી છે. તેણે અંતિમ મેચમાં 2018ના રનર્સઅપ ક્રોએશિયાને હરાવવું જ પડશે.

પાંચમીવાર વર્લ્ડકપ રમી રહેલા મોરક્કોની આ 24 વર્ષમાં પહેલી જ્યારે કુલ ત્રીજી જીત છે. આ પહેલાં તેણે 1998માં સ્કોટલેન્ડને 3-0થી પરાજિત કર્યું હતું. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં મોરક્કોએ પોતાની પહેલી જીત 1986માં પોર્ટુગલ ઉપર 3-1થી મેળવી હતી. આ પછી પહેલી અને એકમાત્રવાર ત્યારે તે અંતિમ-16માં પહોંચી હતી.

મોરક્કો માટે પ્રથમ હાફમાં જિયેચના એક ગોલને ઑફસાઈડ બાદ અમાન્ય કરાર આપવામાં આવ્યો હતો. જ્યારે બેલ્જીયમ 0-1થી પાછળ થઈ રહ્યું હતું ત્યારે મેચ પૂર્ણ થવાની 10 મિનિટ પહેલાં ટીમના કોચ રોબર્ટો માર્ટિનેજે ફોરવર્ડ રોમલુ લુકાકુને સબસ્ટીટયુટ તરીકે મેદાન પર ઉતાર્યો હતો.

જ્યારે ક્રોએશિયાએ કેનેડાને હરાવીને તેને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. અલ્ફોન્સો ડેવિસના બીજી જ મિનિટમાં કરવામાં આવેલા ગોલે ક્રોએશિયાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. ગત રનર્સઅપ ક્રોએશિયાએ પાછળ થયા બાદ વાપસી કરી આઠ મિનિટની અંદર બે ગોલ કરી કેનેડાને 4-1થી હરાવી બહાર કર્યું હતું. ટૂર્નામેન્ટમાં પહેલી જીતથી લુકા મોદરિચની ટીમે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ક્રોએશિયા માટે આંદ્રેસ કેમરિકે બે, માર્કો લિવાજા તેમજ લોવ્રો માજેરે એક-એક ગોલ કર્યો હતો.

આવી જ રીતે મેસ્સી મેજિકના દમ પર આર્જેન્ટીનાએ વર્લ્ડકપમાં શાનદાર વાપસી કરી છે સાથે સાથે મેક્સિકોને 2-0થી હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા પણ જાળવી રાખી છે. કતરના સૌથી મોટા સ્ટેડિયમમાં 35 વર્ષીય મેસ્સીનો જાદૂ જોવા માટે 88966 દર્શકો પહોંચ્યા હતા જે એક રેકોર્ડ સંખ્યા છે. આ પાછલા 28 વર્ષમાં એક મેચની અંદર નોંધાયેલી દર્શકોની સૌથી મોટી હાજરી છે.

આ પહેલાં અમેરિકામાં 1994નો ફાઈનલ જોવા માટે રેકોર્ડ દર્શક એકઠા થયા હતા. પહેલો હાફ ગોલરહિત રહ્યા બાદ આર્જેન્ટીનાએ બીજા હાફમાં 23 મિનિટમાં બે ગોલ કર્યા હતા. મેસ્સીએ એન્જેલ ડી મારિયાના પાસ પર 64મી મિનિટમાં આર્જેન્ટીનાને લીડ અપાવી હતી. આ પછી એન્જો ફર્નાન્ડીઝે 87મી મિનિટમાં એક ગોલ કર્યો હતો.

આજની મેચ

મેચ  સમય
કેમરુન-સર્બિયા  બપોરે 3:30
સાઉથ કોરિયા-ઘાના  સાંજે 6:30
બ્રાઝીલ-સ્વિત્ઝરલેન્ડ  રાત્રે 9:30
પોર્ટુગલ-ઉરુગ્વે  રાત્રે 12:30

બેલ્જીયમ સામે મુકાબલા પહેલાં મોરક્કોનો ગોલકિપર રહસ્યમયી રીતે ગાયબ: વર્લ્ડકપમાં જોરદાર હંગામો
મોરક્કોના નિયમિત ગોલકિપર યાસિને બોનોઉ ગઈકાલે બેલ્જીયમ વિરુદ્ધ વર્લ્ડકપની મેચ શરૂ થતાં પહેલાં રહસ્યમયી રીતે ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ મેચમાં મોરક્કોએ બેલ્જીયમને 2-0થી હરાવી ઉલટફેર કર્યો હતો. બોનોઉ મોરક્કો ટીમ સાથે રાષ્ટ્રગાન માટે ઉભો હતો અને પછી તેણે કોચ સાથે વાત કરી તેમને ગળે લગાવ્યા હતા અને પોતાના રિઝર્વ ગોલકિપર સાથે વાત કરવા લાગ્યો હતો. આ પછી તે ગાયબ થઈ ગયો હતો. આ અંગે ટીમે કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement