IPL-2022ના ફાઈનલે તોડ્યા તમામ રેકોર્ડ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધી

28 November 2022 10:54 AM
Ahmedabad Gujarat Sports
  • IPL-2022ના ફાઈનલે તોડ્યા તમામ રેકોર્ડ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધી

29 મેએ ગુજરાત-રાજસ્થાન વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં 1,01,566 દર્શકોની સ્ટેડિયમ પર હાજરી નોંધાતાં ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ નોંધ

અમદાવાદ, તા.28
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ વર્ષે મે મહિનામાં આઈપીએલનો બીજો ક્વોલિફાયર અને ફાઈનલ મુકાબલો રમાયો હતો જેથી હવે સ્ટેડિયમના નામે એક મોટી ઉપલબ્ધી નોંધાઈ ગઈ છે. આ સ્ટેડિયમમાં હવે એક ટી-20 મેચમાં સૌથી વધુ દર્શકોના આવવાનો ગિનીઝ રેકોર્ડ નોંધાયો છે.

બીસીસીઆઈએ ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. રેકોર્ડબ્રેક દર્શકોની હાજરી આ વર્ષે આઈપીએલના ફાઈનલમાં નોંધાઈ હતી. બોર્ડના સચિવ જય શાહે એક ટવીટ કરીને કહ્યું કે મને ગર્વ અને ખુશી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોઈએક ટી-20 મેચમાં સૌથી વધુ દર્શકોની ઉપસ્થિતિ માટે ગિનીઝ બુક રેકોર્ડમાં સામેલ થયું છે. આ સ્ટેડિયમમાં 29 મેચ 2022ના આઈપીએલ ફાઈનલ દરમિયાન 1,01,566 દર્શક સ્ટેડિયમમાં હાજર હતા. આ ઉપલબ્ધી સંભવ બનાવવા માટે ક્રિકેટ ચાહકોનો ખૂબ ખૂબ આભાર.

ઉલ્લેખનીય છે કે, 29 મેએ આઈપીએલ-2022નો ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયો હતો. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પોતાની ડેબ્યુ સીઝનમાં જ આઈપીએલ ખિતાબ જીતી ઈતિહાસ રચી દીધો હતો.

આવતાં વષે વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો અમદાવાદમાં રમાઈ શકે
વન-ડે વર્લ્ડકપ-2023ની મેજબાની ભારત કરવાનું છે અને આ આઈસીસી ઈવેન્ટનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાઈ શકે છે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની 13મી સીઝન હશે અને ભારત ચોથીવાર તેની યજમાની કરશે. અહેવાલો પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ ટૂર્નામેન્ટના ફાઈનલ મેચની યજમાની કરવાના લિસ્ટમાં પ્રથમ ક્રમે છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં એક લાખ દર્શકોની બેસવાની ક્ષમતા છે. આ આઈસીસી ઈવેન્ટમાં 10 ટીમો રાઉન્ડ રોબીન સ્ટેજમાં એકબીજા વિરુદ્ધ રમશે. જીતવા પર દરેક ટીમને બે પોઈન્ટ તો રદ્દ થયેલી મેચમાં બન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. રાઉન્ડ રોબીન સ્ટેજના અંતમાં ચાર ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement