► લોકોના પ્રશ્નોની ચર્ચા થતી નથી અને ટ્રીલીયન ડોલરના ચૂંટણી ઢંઢેરામાં ઉલઝાવાય છે : વિપક્ષમાં પણ વિશ્વસનિયતાનો અભાવ : છેલ્લા પાંચ વર્ષમાં પક્ષપલ્ટાએ વાતાવરણ ડહોળી નાખ્યું છે
► રાજ્યમાં અત્યાર સુધીમાં ચૂંટણી વાતાવરણ ન જામવા પાછળનું મુખ્ય કારણ લોકોની ઉદાસીનતા છે
રાજકોટ,તા. 28
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાન માટે હવે કલાકોમાં ગણતરી થઇ શકે તેટલો સમય બાકી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની તમામ 89 બેઠકોમાંથી બહુ ઓછી બેઠકોમાં હજુ સુધી ચૂંટણી માહોલ સર્જાયો છે અને હવે કોઇ માહોલ વધુ સર્જાય તેવી શક્યતા નહીવત છે પરંતુ તેમાં મતદારો માટે ‘ટીના’ ફેક્ટર જવાબદાર હોવાનું ચૂંટણી નિષ્ણાંતો માને છે એટલે કે અત્યારે ભાજપથી ખુશ અને નાખુશ બંને મતદારોને ભાજપ પોતાની સાથે રાખવામાં અત્યાર સુધી સફળ રહ્યો છે પરંતુ હવેના મતદાનમાં તે સફળ રહેશે કે કેમ તે પણ પ્રશ્ન છે.
કારણ કે જે લોકો ભાજપની 27 વર્ષની સરકારની કામગીરીમાં હજુ પણ પોતાને ‘વિકાસ’થી અલગ માની રહ્યા છે અને મોંઘવારી સહિતના મુદ્દે જે લોકો સામાન્ય લોકો પીડાય રહ્યો છે તેના કારણે તે લોકો ભાજપથી દૂર છે પરંતુ તેમની પાસે ભાગ્યે જ કોઇ વિકલ્પ હોવાનો તેઓ અનુભવ કરે છે અને ખુદ ભાજપ પણ તે જાણે છે અને જ ‘ટીના’ ફેક્ટર પર ભાજપ મુસ્તાફ છે. પ્રિપલ પોલ મૂડમાં લોકો ભાગ્યે જ કોઇ મતદાનનો ઉત્સાહ હોય તેવું દર્શાવે છે.
ભાજપના ટેકેદારો હોય તે રાજકીય રીતે વધુ વોકલ હોય છે અને તેથી તેમંનો અવાજ સંભળાય છે પરંતુ જે લોકો સતત મોંઘવારી સહિતના મુદ્દે પીડાય રહ્યા છે, રોજગારી મોરચે પણ તેઓને ભાગ્યે જ કોઇ સારુ ચિત્ર પણ નજરે ચડતું નથી તેઓ માટે હવે ત્રીજો વિકલ્પ પણ કદાચ બહુ ઓછી આશાવાળો છે. નાના વેપારીઓ, નાના કોન્ટ્રાક્ટરો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ પોતાનો અભિપ્રાય ઝડપથી વ્યક્ત કરતા નથી તેઓ ક્યારેક બોલી લે છે તો પણ આસપાસ કોઇ છે નહીં તેની ચિંતા કરે છે.
આ કોઇ કલ્પના નથી પરંતુ જે રીતે મત શેર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં બહાર આવ્યો છે તે સાબિત કરે છે. રાજ્યના મુખ્ય વિપક્ષ કોંગ્રેસએ છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2017 સુધીમાં 35 થી 41 ટકા મતો મેળવ્યા છે અને ભાજપને ફક્ત 3 કે 4 ટકા મતની જ સરસાઈ મળી છે. ગત ચૂંટણીમાં તો ત્રીજી પાર્ટી ન હતી અને તેથી કોંગ્રેસને બેઠકો વધારવાનો થોડો લાભ મળી ગયો.
પરંતુ હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચિત્ર બદલાવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ મતદારોનો ગેપ પણ વધી રહયો છે. કોંગ્રેસના જે પીઢ મતદારો છે તેઓ આ પક્ષ માટે મત આપતા રહેશે પરંતુ યુવા મતદારોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિભાજન થાય તેવી શક્યતા છે.