આ તસવીર 1995ની છે. કેશુભાઈ પટેલ પ્રથમ વખત ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહ્યા હતા અને તે શપથગ્રહણ સમારોહમાં જે હસ્તીઓ હાજર હતી તેમાં લાલકૃષ્ણ અડવાણી, ભૈરોસિંહ શેખાવત, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ હાજર હતા.
તે સમયે 121 બેઠકો જીતી ભાજપે સત્તા મેળવી હતી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના સંગઠન મહામંત્રી હતા. અને તેમનો આ વિજયમાં મુખ્ય ફાળો હતો. ભૈરોસિંહ શેખાવત રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. શંકરસિંહ વાઘેલા દૂરથી આ દ્રશ્ય જોતા હતા અને 1996માં તેઓએ મુખ્યમંત્રી બનવા બળવો કર્યો.
થોડે દૂર વિપુલ ચૌધરી કે જેઓ પહેલી વખતે વિધાનસભામાં ચૂંટાયા હતા તેઓ શંકરસિંહની સાથે ગયા અને ગૃહ રાજ્યમંત્રી બન્યા. આનંદીબેન પટેલ અને છબીલદાસ મહેતા બંને પણ આ તસવીરમાં દેખાય છે. છબીલદાસ મહેતા પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને આનંદીબેન પટેલનો તે સમયે રાજકીય ઉદય થયો હતો.