► પક્ષને વરાછા સહિતમાં જેને ‘કાપવા’ના હતા તેને ટીકીટ આપવી પડી તે મજબૂરી હવે પરિણામમાં નડે નહીં તે જોવા ભાજપની ચિંતા
રાજકોટ,તા. 28
ગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સામેલ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતની 15થી વધુ બેઠકોમાં ભાજપ સૌથી મોટી આશા રાખે છે અને 2017ની ચૂંટણીમાં સુરત શહેરની તમામ 12 બેઠકો ભાજપે જીતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીની આ મહાનગરમાં એન્ટ્રીએ અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા ચહેરાઓ જે રીતે ‘આપ’ સાથે જોડાયને હવે ચૂંટણી લડી રહયા છે/
તે કારણે ભાજપની ચિંતા વધી ગઇ છે અને ગઇકાલે ખુદ વડાપ્રધાને અત્યાર સુધીની ચૂંટણીઓ સૌથી લાંબો 28 કિલોમીટરનો રોડ-શો કર્યો અને તે રીતે સુરતની 8 વિધાનસભા બેઠકો કે જેમાં પાટીદાર મતો સૌથી મહત્વ ધરાવે છે તેના પર રોડ-શોથી કેસરિયુ વાતાવરણ સર્જવા પ્રયત્ન કર્યો. આ જે આઠ મત વિસ્તારો છે જેમાં કતારગામ, વરાછા, ઓલપાડ, કામરેજ, ચોર્યાસી,કારંજ, મહુવા, ઉધના સહિતની બેઠકોમાં ભાજપને ટફ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી છે.
કતારગામમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડી રહયા છે અને તેમાં પાટીદાર તથા બક્ષીપંચના મતદારોનું જોર છે. વરાછામાં ભાજપને આખરી ઘડીએ પૂર્વ મંત્રી કુમાર કાનાણીને ટીકીટ આપવી પડી. કારણ કે અહીં પાસના ક્ધવીનર અલ્પેશ કથીરીયા મેદાનમાં આવી ગયા છે. ઓલપાડમાં ધાર્મિક માલવિયા, કામરેજમાં રમેશ ધડૂક અને કારંજના આપના અને પ્રવક્તા અને ફાયર બ્રાન્ડ નેતા મનોજ સોરઠીયા મેદાનમાં છે.
તેથી જ વડાપ્રધાનનો આ રોડ-શો ભાજપ માટે લગભગ ફરજીયાત થઇ ગયો હતો. ભાજપને આ ચૂંટણીમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં પ્રતિષ્ઠાનો જંગ અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે અને તે વચ્ચે ‘આપ’ના ઉમેદવારોની સુરતમાં એન્ટ્રીએ ભાજપને આ મત વિસ્તાર પર વધુ ચિંતા કરવાની જરુર પડી હતી.
મોદીના રોડ-શો સમયે કેજરીવાલના નારા લાગ્યા !
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં મોદીના ગઇકાલના રોડ-શો સમયે અનેક વિસ્તારોમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાનો ‘આપ’ના નરેશ બલીયાને ટવીટ કરીને દાવો કર્યો છે અને જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તન આવે છે તેનો આ સંકેત છે.