રાજકોટ તા.28 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબકકાની 89 બેઠકોના પ્રચાર ભુંગળા આવતીકાલ સાંજથી શાંત થાય તે પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સૌરાષ્ટ્ર સર’ કરવા આજે ચાર સ્થળોએ જાહેરસભા યોજીને પ્રચારનો ઝંઝાવાત સર્જનાર છે. આ સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગુજરાતમાં જ છે.
1લી ડિસેમ્બરે યોજાનારી 89 બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે સાંજે પ્રચાર પડધમ શાંત પડવાના છે તે પુર્વે વડાપ્રધાને છેલ્લા દોરનો પ્રચાર પોતાના હાથમાં લીધો હોય તેમ સૌરાષ્ટ્રનો ઝંઝાવાતી પ્રવાસ ગોઠવ્યો છે. આજે બપોરથી માંડી સાંજ સુધી સૌરાષ્ટ્ર પર જ ફોકસ હોય તેમ ચાર શહેરોમાં જાહેરસભા રાખવામાં આવી છે. પાલીતાણા, અંજાર, જામનગર તથા રાજકોટમાં સભા સંબોધીને છેલ્લી ઘડીએ ભાજપ તરફી માહોલ સર્જવાનો વ્યુહ છે. વડાપ્રધાન મોદી 42 દિવસમાં બીજી વખત સૌરાષ્ટ્રમાં રહેનાર હોવાનું ઉલ્લેખનીય છે.
► કોંગ્રેસના અધ્યક્ષ ખડગે, ‘આપ’ના ભગવંત માન સહિત સીનીયર નેતાઓના ગુજરાતમાં ધામા: પ્રચાર પરાકાષ્ટાએ
વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ ગુજરાતમાં કેમ્પ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે અને અરવલ્લીમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. તેઓ ભિલોડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી.બંરડાના સમર્થનમાં સભા યોજનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ પ્રચાર ચાલુ જ છે. તેઓ મહેસાણા જીલ્લાના બહુચરાજી મતક્ષેત્રમાં રોડ-શો તથા જાહેરસભા કરવાના છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતમાં છે. આજે બીજા દિવસે તેઓ મહેસાણામાં જનસભામાં હાજર રહેવાના છે.
ઉપરાંત અમદાવાદના બહેરામપુરામાં જાહેરસભા કરનાર છે. ગઈકાલે ચૂંટણી પ્રચાર દરમ્યાન તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી જ રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન જેવા નેતાઓ વડોદરા સહિતના કાર્યક્રમોમાં સામેલ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતને આવરી લેતી 89 બેઠકો પર પ્રચાર પૂર્ણ થવાના આગલા દિવસે પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યાનું ચિત્ર છે. કાલે સાંજથી જાહેર પ્રચાર પૂર્ણ થવા સાથે ઉમેદવારોને પછી ડોર-ટુ-ડોર સંપર્ક જ કરવાનો રહેશે.