મુંબઈ તા.28
લોકપ્રિય ડાન્સ શો ‘ઝલક દિખલાજા’ ની 10મી સીઝનમાં ગુંજન સિંહા અને તેના ડાન્સ પાર્ટનર તેજસ વર્માને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિજેતાઓને આ અવસરે પ્રતિષ્ઠિત ટ્રોફી અને 20 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.
સૌથી નાની વયની સ્પર્ધક હોવા છતાં ગુંજન અને તેના ડાન્સ પાર્ટનર તેજસે બાકી સ્પર્ધકોને જોરદાર ટકકર આપી હતી. પોતાના પહેલા પર્ફોર્મન્સથી જ ગુંજને સીઝનની શરૂઆતમાં જ જજોના દિલ જીતી લીધા હતા. આ દમદાર નાના વિજેતાઓની જજોએ ભરપુર પ્રશંસા કરી હતી.
આ તકે ગુંજન સિંહાએ જણાવ્યું હતું કે ‘ઝલક દિખલાજા’ 10ની સફર ખુબ જ શાનદાર રહી. હું મારા પાર્ટનગર તેજસ વર્મા અને કોરિયોગ્રાફર સાગર બેરાની આભારી છું, જેઓ મારી પ્રેરણા અને તાકાત રહ્યા છે. જજીસ માધુરી દીક્ષિત નેને, કરણ જોહર અને નોરા ફતેહીને ખૂબ જ પ્રેમ.
ગ્રાન્ડ ફીનાલેમાં કાજોલના વારસાનું પર્ફોર્મન્સ રજૂ થયું હતું. વિકી કૌશલે પોતાના બાળપણના ક્રશનો ખુલાસો કર્યો હતો. આ સીઝનની સમાપ્તિ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનન એક સાથે જોડાયા હતા. કૃતિને ‘બડી મુશ્કીલ’ ગીતમાં માધુરી સાથે ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો.
કાર્યક્રમમાં માધુરી દીક્ષિત અને બિગ બોસ હોસ્ટ સલમાનખાને પોતાની હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ના મશુહર ગીતને રજૂ કર્યું હતું.