રાજકોટ,તા.28 : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં આજે પણ ઠેર-ઠેર સવારનું તાપમાન ગગડતા તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે ખાસ કરીને નલિયા, ગાંધીનગર, અમદાવાદ, અને અમરેલીમાં 11 થી 13 ડિગ્રી, વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાતા સવારમાં લોકો ઠંડીથી ધ્રુજી ગયા હતાં.આજરોજ રાજયનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું. અત્રે આજે સવારે 11.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
તેમજ આજે સવારે અમદાવાદમાં પણ અતિમાસની સૌથી વધુ ઠંડી 12.3 ડિગ્રી સાથે નોંધાઈ હતી.જયારે અમરેલીમાં પણ આજે 13.6 ડિગ્રી, સાથે તિવ્ર ઠંડક અનુભવાઈ હતી. અમરેલીમાં પણ આજે ચાલુ માસની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. તેમજ વડોદરામાં 15.2 ડિગ્રી, ભાવનગરમાં 16.7 ડિગ્રી, અને ભૂજ ખાતે 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત રાજકોટ વાસીઓએ પણ આજે સવારે કાર અનુભવ્યો હતો.
આજે સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. તથા વ્હેલી સવારે હવામાં ભેજ 71 ટકા રહેતા થોડીવાર ધુમ્મસ છવાયું હતું. જો કે મોડી સવારે ફરી વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. તેમજ આજે સવારે દમણમાં 17.2 ડિગ્રી, ડિસામાં 14 ડિગ્રી, દિવમાં 14.5 તથા દ્વારકામાં 20, કંડલામાં 16 તથા નલિયામાં 12.6 ડિગ્રી, ઓખામાં 23.2, પોરબંદરમાં 14, સુરતમાં 17.5, તથા વેરાવળમાં 19 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટ શહેરમાં આજે સવારે ઠાર વચ્ચે ધૂમ્મસ છવાયું હતું. વ્હેલી સવારે હવામાં 71-ટકા ભેજ નોંધાતા ઝાકળ વચ્ચે આહ્લાદક વાતાવરણ છવાયું હતું. (તસ્વીર: દેવેન અમરેલીયા)