રાજકોટ,તા. 28 : વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને એક મોટો આંચકો લાગ્યો છે અને પક્ષના અબડાસાના ઉમેદવાર વસંતભાઈ ખેતાણીએ ગઇકાલે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ટેકો જાહેર કરી અને કચ્છના રાજકારણમાં જબરો ભૂકંપ લાવ્યો છે.શ્રી ખેતાણીનો છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી સંપર્ક કરી શકતી ન હતી
અને ગઇકાલે ઓચિંતા જ ‘આપ’ દ્વારા આક્ષેપ કરાયો કે ભાજપે એક રાજકીય ઓપરેશન કરી અને વસંતભાઈને ગુમ કરી દીધા છે. તેમનો મોબાઈલ પણ બંધ મળતો હતો અને અંતે ‘આપ’ના ઉમેદવાર ખેતાણી ઓચિંતા જ પ્રગટ થયા અને તે પણ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે રહીને પોતે જાડેજાને ટેકો આપે છે તેવું જાહેર કરી દીધું. તેથી આ મત વિસ્તારમાં આપ સ્પર્ધામાં રહ્યું નથી. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઓપરેશનમાં કચ્છના પૂર્વ કલેક્ટર રહી ચૂકેલા આઈએએસ અધિકારી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલનો હાથ છે.
મહત્વનું એ છે કે આ મત વિસ્તારમાં ત્રણ તાલુકામાં પાટીદાર સમુદાયના 30,000 લોકોની વસ્તી છે અને જે રીતે ત્રિકોણીય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લઘુમતીઓના મત મેળવી જાય તો પ્રદ્યુમનસિંહ જાડેજા માટે ચિંતા સર્જાય તેવું હતું તેથી જ પાટીદાર મતો અંકે કરવા ‘આપ’ના સક્ષમ ગણાતા પાટીદાર ઉમેદવાર વસંત ખેતાણીને સ્પર્ધામાંથી ખસી જવા મનાવી લીધા હતા અને આ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. અને હવે આ મુદ્દે ચૂંંટણી પંચ અને અદાલત સમક્ષ રજૂ કરવાની તૈયારી છે.