સૌરાષ્ટ્રમાં ‘ભાજપ-કોંગ્રેસને નહીં તોડી શકાય’: ‘આપ’નું ફિલ્મ ઉતરી ગયું: ચૂંટણી પહેલાં જ ઝાડું ટોપલીમાં !

28 November 2022 11:57 AM
Elections 2022 Politics Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ‘ભાજપ-કોંગ્રેસને નહીં તોડી શકાય’: ‘આપ’નું ફિલ્મ ઉતરી ગયું: ચૂંટણી પહેલાં જ ઝાડું ટોપલીમાં !

► ‘ગાજ્યા એવા વરસ્યા નહીં’: જોરશોરથી પ્રચાર કર્યો, જેવી ચૂંટણી જાહેર થઈ કે નેતાઓ ‘ગાયબ’

► અરવિંદ કેજરીવાલ, મનિષ સીસોદીયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન સહિતના નેતાઓ થાકી ગયા કે ‘આપ’ને મત નહીં જ આપવાની મતદારોની નાડ પારખી ગયા ? 54 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તે અત્યારે એકલે હાથે જ લડવા મજબૂર: કોઈ રાષ્ટ્રીય નેતાનો નથી મળી રહ્યો સાથ

રાજકોટ તા.28 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નહીં બલ્કે ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી લઈ ચૂંટણી જાહેર થવા સુધી સૌથી વધુ જો કોઈ પક્ષ ચર્ચામાં રહ્યો હોય તો તે આમ આદમી પાર્ટી છે. જે રીતે અરવિંદ કેજરીવાલ, મનિષ સીસોદીયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન સહિતના નેતાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર કરી રહ્યા હતા તેને જોતાં આ વખતે ‘આપ’ મોટા ગાબડાં પાડશે તેવી વાતો વહેતી થઈ જવા પામી હતી. જો કે જેવી ચૂંટણી જાહેર થઈ કે આ તમામ નેતાઓ ‘મીસ્ટર ઈન્ડિયા’ બની ગયા હોય તેવી રીતે ગાયબ થઈ જતાં મતદારોમાં અત્યારે તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. મતદારો અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 બેઠકો સહિત ગુજરાતની 89 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને તોડી નહીં જ શકાય તેવું માની લેનારી આમ આદમી પાર્ટીની ફિલ્મ ઉતરી ગઈ છે અને ચૂંટણી પહેલાં જ ઝાડું ટોપલીમાં સમાઈ ચૂક્યું છે !! ‘ગાજ્યા મેઘ વરસે નહીં’ તે કહેવતની માફક આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં જોરશોરથી પ્રચાર કર્યો-કરાવ્યો હતો પરંતુ અત્યારે તેના રાષ્ટ્રીય નેતાઓ અને કાર્યકરો શોધ્યા જડી રહ્યા ન હોવાથી આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તે કહેવાની કે લખવાની અત્રે જરૂર લાગી રહી નથી !

► સ્થિતિ એવી કફોડી બની ચૂકી છે કે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો ઉપર પંજાબથી કાર્યકરો આયાત કરવા પડી રહ્યા છે ! સંગઠન બનાવ્યા વગર જ ચૂંટણીમાં ઉતરી જવાનું ભારે પડી જવું નિશ્ર્ચિત: મતદારો પણ ‘આપ’ને મત એટલે તે બેકાર જશે તેવું માનવા લાગ્યા

‘આપ’ના રાષ્ટ્રીય નેતાઓ રીતસરના થાકી ગયા હોય તેવી રીતે મતદારો ‘આપ’ને મત નહીં જ આપે તેવું પારખી ગયા હોવાનું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં 54 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા છે તે અત્યારે એકલા હાથે જ લડવા માટે મજબૂર બની ગયા છે કેમ કે ‘આપ’ના એક પણ સ્ટાર પ્રચારકનો સાથ તેમને મળી રહ્યો છે. આ 54 બેઠકોમાં મુખ્યમંત્રીપદના દાવેદાર ઈશુદાન ગઢવીની ખંભાળિયા બેઠક પણ સામેલ છે તેઓ પણ અત્યારે રીતસરના ઝઝૂમી રહ્યા હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. આમ આદમી પાર્ટી માટે સ્થિતિ એટલી કફોડી બની ચૂકી છે કે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો ઉપર પંજાબથી કાર્યકરો આયાત કરવા પડી રહ્યા છે ! સંગઠન બનાવ્યા વગર જ ચૂંટણીમાં ઉતરી જવાનું કેટલી હદે ભારે પડી શકે છે તે આમ આદમી પાર્ટીએ અત્યારે સાબિત કરી બતાવ્યું છે. બીજી બાજુ ‘શાણા’ મતદારોએ પણ ગાંઠ બાંધી લીધી છે કે ‘આપ’ને મત આપશું તો એ બેકાર જ જવાનો છે કેમ કે તેની જીતવાની સંભાવના ન બરાબર રહેલી છે. મતદારો સ્પષ્ટ કહેવા લાગ્યા છે કે જો આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશું

► ‘આપ’ને મત આપવાથી કોંગ્રેસ-ભાજપના કામ કરતાં નેતાઓના મત કપાઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે લાગી ઉઠતાં મતદારો હવે આ બે પક્ષોમાંથી જ કોઈ એક ઉપર ઉતારશે પસંદગી તે નિશ્ર્ચિત: સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને હચમચાવી નાખવા ઉતરેલી ‘આપ’ અત્યારે ખુદ ખળભળે છે

તો કોંગ્રેસ અને ભાજપના કામ કરતાં નેતાઓના મત કપાઈ જશે અને તેની હારવાની સંભાવના ઉભી થઈ જશે એટલા માટે મતને બેકાર ન થવા દઈ મતદારો ભાજપ અથવા કોંગ્રેસમાંથી જ કોઈ એક પક્ષને મત આપશે તે નિશ્ચીત બની ચૂક્યું છે. એકંદરે ભાજપ-કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને હચમચાવી નાખવાના ઈરાદા સાથે ઉતરેલી આમ આદમી પાર્ટી અત્યારે ખળભળી રહી છે. મતદારો એવું ઉદાહરણ પણ આપી રહ્યા છે કે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને મત આપ્યો જેના કારણે કોંગ્રેસના કામ કરતાં ઉમેદવારોના મત કપાઈ ગયા હતા અને તેણે હાર જોવી પડી હતી. આ રીતે કામ કરતાં નેતા હારી ગયા અને આમ આદમી પાર્ટી પણ જીતી શકી નથી ત્યારે એ મત એકદમ ફોગટ જ ગયો ગણાય ને ? અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ અત્યારે દિલ્હીમાં એમસીડી ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાતમાં માંડ માંડ એકાદ વખત હાજરી આપી શકે છે. આવી જ હાલત અત્યારે અન્ય રાષ્ટ્રીય નેતાઓની થવા પામી છે. ‘આપ’ કેવી રીતે અંદરથી હચમચી ગયું છે તેનો તાદ્દશ નમૂનો ગઈકાલે કચ્છમાં તેના ઉમેદવારે મતદાનના બે દિવસ અગાઉ ભાજપને સમર્થન જાહેર કરી દીધું તેના પરથી મળી રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement