કોચ્ચી તા.28
પરિણીત મહિલાને લગ્નનું વચન આપીને શરીર સંબંધ બાંધવાના કૃત્યમાં બળાત્કારનો ગુનો બનતો નથી. કારણ કે મહિલા પરિણીત જ હોવાનો ચુકાદો કેરળ હાઈકોર્ટે આપ્યો છે.
કેરળના કોલમના 25 વર્ષિય યુવાને પોલીસે દાખલ કરેલા બળાત્કાર, છેતરપીંડીના ગુનાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ફેસબુક મારફત ઓળખાણ થયા બાદ યુવકે લગ્નનું વચન આપીને ઓસ્ટ્રેલિયામાં પોતાની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને પછી લગ્નનો ઈન્કાર કરી દીધો હોવાની યુવતીની ફરિયાદના આધારે આ ગુનો દાખલ કરાયો હતો. આ સમયગાળા દરમ્યાન પતિથી અલગ રહેતી હતી અને દંપતિ વચ્ચે છુટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી.
અદાલતે એવુ નોંધ્યુ હતું કે શરીર સંબંધ એકબીજાની સંમતિથી જ બંધાયા હતા. થોડા વખત પૂર્વેના હાઈકોર્ટના જ એક ચુકાદાને ટાંકીને એમ કહ્યું કે લગ્નનું વચન આપીને વ્યક્તિ ફરી જાય તો સહમતીથી બંધાયેલો શરીરસંબંધ બળાત્કારની વ્યાખ્યામાં આવતો નથી. સિવાય કે એ સાબીત થાય કે લગ્નનું વચન માત્ર લાલચરૂપ જ હતું અને તે વચન પૂર્ણ કરવાનો આરોપીનો ઈરાદો જ ન હોય.
આ કેસમાં ફરિયાદી મહિલાએ સંમતિ અને સ્વૈચ્છીક રીતે પ્રેમી સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. પોતે પરિણીત હોવાથી કાયદેસર લગ્ન કરી શકે તેમ ન હોવાની હકીકતથી પણ તે વાકેફ જ હતી.
હાઈકોર્ટે તાજેતરમાં જ એક કેસમાં એવો ચુકાદો આપ્યો જ હતો કે પરિણિત મહિલાને લગ્નનું વચન આપવાનું કાનૂની રીતે ગુનાની વ્યાખ્યામાં નથી.