રાજકોટ. તા.28
ચાર ’દી પૂર્વે ગોંડલ ચોકડી પાસે રસ્તો ઓળંગતા આહીર પરિવારના દંપતી અને તેના દોહીત્રને પુરપાટ ઝડપે આવતાં બાઈકચાલકે હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં સાત વર્ષના રોનકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના નાના નાનીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડયા હતાં. જ્યાં ચાલુ સારવારમાં તેના નાનીનું પણ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની વિગત અનુસાર, રાજકોટના ગોંડલ રોડ બાયપાસ પાસે આવેલ ગણેશ સોસાયટીમાં રહેતાં હાજાભાઈ માંડણભાઈ જીલરીયા (ઉ.વ.53) તેમના પત્ની જયાબેન (ઉ.વ.50) અને તેનો દોહીત્ર રોનક દિપક કાનગડ (ઉ.વ.7) સાથે ગત તા.24ના રાત્રે 9 વાગ્યાની આસપાસ મેંદરડાથી પરત ફરી બસમાંથી ઉતરી1 ગોંડલ ચોકડી પાસે આવેલ રાધા મીરા હોટલ સામે રોડ ક્રોસ કરતાં હતાં.
ત્યારે પુરપાટ ઝડપે આવેલ અજાણ્યાં બાઇક ચાલકે હડફેટે લેતાં ત્રણેય રોડ પર પટકાયા હતાં. જેમાં સાત વર્ષના રોનકને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળેજ પ્રાણ પંખેરૂૂ ઉડી ગયું હતું. જ્યારે હાજાભાઈ અને તેમના પત્ની જયાબેનને શરીરે ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.જ્યાં સારવારમાં રહેલાં જયાબેનનું પણ સારવારમાં મોત નીપજ્યું હતું.
બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂૂરી કાગળો કરી અકસ્માત સર્જનાર અજાણ્યાં બાઇક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત હાજાભાઈના પુત્રી અને જમાઈ ધોરાજીના છાડવાવદર ગામે રહે છે. મૃતક રોનક તેના નાનાના ઘરે રહી એચ.કે.જી.માં અભ્યાસ કરતો હતો, તેમજ તે બે ભાઈમાં મોટો હતો.પરિવારે બે સ્વજન ગુમાવતાં કલ્પાંત છવાયો હતો.