(દિલીપ તનવાણી) જેતપુર,તા.28
જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ જુના રેન બસેરામાંથી લોહીથી ખરડાયેલ મળેલ મૃતદેહમાં પોલીસે મૃતકના ભાઈ ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો દાખલ કરી આરોપી શખ્સની ધરપકડ કરતા આરોપી મૃતક પાસે 700 રૂપિયા માંગતો હોય તે પરત ન આપતો હોવાથી પથ્થર મારી હત્યા કર્યાનું ખુલ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં જુના વોલીબોલ મેદાનમાં આવેલ સ્વ.સવજીભાઈ કોરાટ શોપીંગ સેન્ટરની ઉપર જુના રેન બસેરાની ખુલ્લી અગાસી પર એક અજાણ્યા યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યા બાદ તેની ઓળખ થાણા ગલોર ગામના મુકેશ દેવશીભાઈ પરમાર તરીકે થઈ હતી મુકેશ છુટક મજૂરી કરી જીવન ગુજારતો અને તે ગામના જ સવજી ડાયાભાઈ બગડા નામના શખ્સ સાથે મજૂરી કામે જતો હતો.
અને આ શખ્સ સવજી ગતરોજ થાણાગાલોર ગામે જાહેરમાં બોલતો હતો કે મે મુકેશને 700 રૂપિયા ઉછીના આપેલ તે પરત આપતો ન હતો.અને બોલાચાલી કરતો હોય જેથી જુના રેન બસેરાએ મુકેશના માથામાં પથ્થર મારી તેની હત્યા કરી નાંખ્યાનું બોલતો હતો.
જયારે બીજીબાજુ પોલીસે મૃતકનું ફોરેન્સીક પીએમ રાજકોટ કરાવતા મુકેશનું મોત માથાના પાછળના ભાગે ઈજા થવાથી થયું હોવાનું ખુલ્યું હતું.જેથી પોલીસે મૃતકના ભાઈ અતુલભાઈ ઉર્ફે કુકા દેવશીભાઈ પરમારની ફરીયાદ પરથી આરોપી સવજી ડાયાભાઈ બગડા સામે હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.