નવીદિલ્હી, તા.28 : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીનો બીજો મુકાબલો વરસાદને કારણે રદ્દ થયો છે. માત્ર 12.5 ઓવર રમાઈ ત્યાં જ વરસાદ શરૂ થઈ જતાં તેને રદ્દ કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં 1 વિકેટે 89 રન બનાવ્યા હતા. આ ભારતીય ટીમના વન-ડે ઈતિહાસનો 42મો રદ્દ વન-ડે મુકાબલો છે. આ મામલે ટીમ ઈન્ડિયા પહેલાંથી જ અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. ભારતનો દર 25મો વન-ડે રદ્દ થાય છે. રદ્દ થનારા મેચો પાછળ વરસાદ સૌથી મોટું કારણ છે. જો કે અમુક મેચ વરસાદ વગર પણ રદ્દ થયા છે.
વન-ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના સૌથી વધુ મુકાબલા શ્રીલંકા વિરુદ્ધ રદ્દ થયા છે. ભારતે અત્યાર સુધી શ્રીલંકા વિરુદ્ધ 162 વન-ડે રમી છે તેમાંથી 11 મેચ અનિર્ણિત રહ્યા છે. આ મેચમાં 2002 ચેમ્પિયન્સ ટ્રોફીના બે ફાઈનલ મેચ પણ સામેલ છે. ફાઈનલના પહેલાં દિવસે શ્રીલંકન ઈનિંગ દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો. આ પછી રમત શરૂ થઈ નહોતી અને મેચને રિઝર્વ-ડેમાં લઈ જવાઈ હતી. આ દિવસે પણ વરસાદ પડતાં મુકાબલો રદ્દ કરવામાં આવ્યો હતો. એવું નથી કે તમામ મેચ વરસાદને કારણે જ રદ્દ થઈ છે. પાકિસ્તાન વિરુદ્ધ 1989માં રમાયેલી વન-ડે મેચ દર્શકોના ખરાબ વર્તનને કારણે રદ્દ થઈ હતી.
ત્યારે પાકિસ્તાની દર્શકોએ ટીમની ત્રણ વિકેટ ઝડપથી પડી જતાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ જ રીતે ભારત-શ્રીલંકા વચ્ચે 2009માં દિલ્હીમાં રમાયેલો વન-ડે મુકાબલો ખરાબ પીચને કારણે રદ્દ કરાયો હતો. એ મેચમાં 23.3 ઓવર રમાઈ હતી. પીચ તરફથી ખતરનાક બાઉન્સ મળવા લાગતાં બેટસમેનો ઈજાગ્રસ્ત થઈ જવાના ડરથી આ મેચ રદ્દ કરવામાં આવી હતી. આઈસીસીના નિયમો પ્રમાણે જો કોઈ વન-ડે મેચની બન્ને ઈનિંગમાં ઓછામાં ઓછા 20-20 ઓવર રમાઈ જાય તો મુકાબલો રદ્દ નથી થતો અને પછી ડકવર્થ લુઈસના નિયમ હેઠળ નિર્ણય થાય છે.
જો શરૂઆત જ ખબર પડક્ષ જાય કે મુકાબલો 20-20 ઓવરનો જ થશે તો પછી ડકવર્થ લુઈસનો રોલ રહેતો નથી. આ ઉપરાંત અન્ય સ્થિતિઓમાં તેને લાગુ કરવામાં આવે છે. જો 20-20 ઓવરનીરમત પણ શક્ય ન બને તો મેચ રદ્દ કરવામાં આવે છે. સચિન તેંડુલકરના નામે વન-ડે ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધુ રન છે. સંયોગ જોઈએ તો રદ્દ મેચમાં પણ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી પણ સચિન જ છે. સચિને 24 એવી વન-ડે મેચ રમી જેનું કોઈ પરિણામ આવ્યું નથી. તેમાં સચિને 47.09ની સરેરાશથી 518 રન બનાવ્યા હતા જેમાં એક સદી અને બે ફિફટી સામેલ છે.
ટીમ ઈન્ડિયાના કોની સામે કેટલા મુકાબલા રદ્દ
હરિફ ટીમ --- રદ્દ મેચ --- કુલ
શ્રીલંકા --- 11 --- 162
ઑસ્ટ્રેલિયા --- 10 --- 143
ન્યુઝીલેન્ડ --- 6 --- 112
પાકિસ્તાન --- 4 --- 112
વિન્ડિઝ --- 4 --- 139
ઈંગ્લેન્ડ --- 3 --- 106
આફ્રિકા --- 3 --- 90
બાંગ્લાદેશ --- 1 --- 36