નવીદિલ્હી, તા.28 : કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનો રોમાંચ ચરમસીમાએ છે. આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સી, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોલેન્ડના રોબર્ટ લેવનડૉસ્કી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપે સહિત અનેક સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર છે. મેચ દરમિયાન બન્ને ટીમોના 11-11 ખેલાડીઓની પરીક્ષા તો થાય જ છે સાથે સાથે એક એવો શખ્સ પણ હોય છે જેના ઉપર મીટ મંડાયેલી હોય છે. મેચને ક્ધટ્રોલ કરનારા એ શખ્સને રેફરી કહેવામાં આવે છે. તેનું કામ મેચને યોગ્ય રીતે રમાડવાનું હોય છે. ક્રિકેટના અમ્પાયરોની જેમ તેનો નિર્ણય અંતિમ હોય છે.
ફૂટબોલ મેચમાં મીડફિલ્ડરે સૌથી વધુ મહેનત કરવી પડે છે. તે ફોરવર્ડ, ડિફેન્ડર અથવા ગોલકિપરની તુલનામાં વધુ દોડ લગાવે છે. એક મીડફિલ્ડર 90 મિનિટની મેચમાં અંદાજે આઠથી દસ કિલોમીટર દોડ લગાવે છે. જ્યારે એક રેફરી આટલી જ મિનિટમાં અંદાજે 10થી 12 કિલોમીટર સુધી દોડે છે સાથે સાથે તેણે ખેલાડીઓ ઉપર પણ બાજનજર રાખવાની હોય છે. આવામાં રેફરીએ શારીરિક રીતે ફિટ હોવાની સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે જે રીતે ખેલાડી અનેક સ્તરેથી પસાર થાય છે તેવી જ રીતે રેફરી પણ અલગ-અલગ તબક્કા પાર કરીને ત્યાં સુધી પહોંચે છે.
અનેક ફૂટબોલ ચાહકો એ જાણવા માંગે છે કે રેફરી બનાય કેવી રીતે ? આ માટે તેણે શું કરવું પડે છે ? ભારતમાં ફૂટબોલના રેફરી બનવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. આ ઉપરાંત વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને ધો.10 પાસ કરેલું હોવું જોઈએ. તો કોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરનું રેફરી બનવું હોય તો 35 વર્ષની વય સુધીમાં રાષ્ટ્રીય સ્તરની તમામ પરીક્ષાઓને પાસ કરવું પડે છે. ભારતમાં એક રેફરી માટે નિવૃત્તિની વય 45 વર્ષ છે. આ માટે એક અરજી કરવાની હોય છે જે અત્યંત સરળ છે. ભારતીય ફૂટબોલ મહાસંઘની વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવીને તેમાં રેફરી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ઑફ ઈન્ડિયા નામનું પોર્ટલ છે તેના ઉપર અરજી કરી શકાય છે. આ પછી તેણે રેફરિંગ કેલેન્ડર ઉપર નજર રાખવાની હોય છે અને પોતાના સ્થાનિક જિલ્લા ફૂટબોલ સંઘમાં રજિસ્ટ્રેશન તેમજ પરીક્ષાની તારીખની જાણકારી રાખવાની હોય છે.