સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

28 November 2022 01:49 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.28 : ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનાં નિર્દેશ પ્રમાણે, ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા, નવી દિલ્હી દ્વારા મતદાતા જાગરૂકતા વિકાસ અભિયાન અંતર્ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી -2022 અન્વયે પાંચ દિવસીય લોક સંવાદનાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત 26 નવેમ્બરનાં રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ શાહ ઈંગ્લિશ મીડિયમ સ્કુલ તેમજ સ્વામિનારાયણ હાઇસ્કુલ ભાગવત ધામ, ધ્રાંગધ્રા ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના અધ્યક્ષશ્રી રામકૃષ્ણ ગોસ્વામીએ આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં નાગરિકો પોતાનો મત આપીને પ્રતિનિધીઓ ચૂંટે છે.

આમ લોકશાહીને સફળ બનાવવા મતદાન પ્રાથમિક શરત છે. લોકશાહીનાં જતનમાં મતદાનનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સામેલ થઈ આપણે આપણી આ પ્રથમ અને પવિત્ર ફરજ બજાવવી જોઈએ. મતદાનનાં દિવસે પોતે વોટ આપવા ઉપરાંત અન્ય મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવા આપણાથી બનતા પ્રયાસો કરવા જોઈએ.

મતદાન એ નાગરિક તરીકેનો આપણો ધર્મ પણ છે. શ્રેષ્ઠ ભારતનાં નિર્માણ માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિશોર બારોટે જણાવ્યું હતું કે બીજા લોકોને મદદરૂપ થવું એ શિક્ષિત વ્યક્તિનું કર્તવ્ય છે. આથી મતદાનનાં મહત્વ અંગે આપણે જાગરૂક હોઈએ તે બાબત પૂરતી નથી પરંતુ આપણે આ અંગે લોકોમાં જાગરૂકતા આવે તે માટે પણ સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. મતદાન કરીને અને બીજા લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી આપણે નાગરિકધર્મ બજાવવો જોઈએ.


Advertisement
Advertisement
Advertisement