સુરેન્દ્રનગર જિલ્લામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

28 November 2022 01:50 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ અને જિલ્લા કલેક્ટર સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.28 : 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ રોજ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે બંધારણ દિવસની ઉજવણી નિમિતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા કાર્યક્રમનાં અધ્યક્ષ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી પી.એસ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનાં તમામ બંધારણોમાં સૌથી વિશિષ્ટ બંધારણ છે અને વિશ્વભરમાં આપણી ઓળખ બની છે.

દેશનું બંધારણ તમામ કાયદાઓની જનેતા છે. જેની અગત્યતા વિશે જાગૃતિ પ્રસરાવવા વર્ષ 2015થી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણ વિના કાયદાઓનો અમલ શક્ય નથી. બંધારણનાં કાયદાકીય અભ્યાસ બાદ તેનો ઉપયોગ માત્ર વ્યવસાય તરીકે ના થવો જોઈએ પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ. આઝાદીને ટકાવી રાખવા માટે બંધારણના સિધ્ધાંતો પ્રત્યે સજાગતા રાખી તેના અમલ માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ જણાવતા તેમણે બંધારણના સિદ્ધાંતોને જાળવવા મૂળભૂત ફરજોને નિભાવીને નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવી જોઈએ તેવી અપીલ કરી હતી.

કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા સરકારી વકીલ એમ.પી સંભાણી તથા આભાર વિધિ એ.જી.પી. શ્રી એન.ડી કારીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, એડિશનલ સેશન જજ બી.કે.બારોટ, સેક્ધડ એડિશનલ સિવિલ જજ બી.આર કારીયા, સિનિયર સિવિલ જજ વ્યાસ, એડિશનલ સિવિલ જજ સુરભી શર્મા તેમજ જિલ્લાના સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement