► કુદરતી ગેસની કિંમત નિર્ધારિત કરીને સીએનજી-પીએનજીના ભાવ ઘટાડવા ચક્રો ગતિમાન
નવી દિલ્હી તા.28 : વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવોમાં ગાબડા છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવામાં આવતા નથી ત્યારે હવે નેચરલ ગેસમાં ભાવમર્યાદા નાખવાની વિચારણા શરૂ કરવામાં આવી છે તેનાથી સીએનજી-પીએનજીમાં રાહત મળી શકે છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિથી આકરા નિયંત્રણો અને તેના વિરોધમાં તોફાનોના ઘટનાક્રમોની અસર હેઠળ બ્રેન્ટ ક્રુડનો ભાવ આજે વધુ ગગડીને 81.53 ડોલર સાંપડયો હતો.
ડબલ્યુટીઆઈ ક્રુડ તૂટીને 74.15 ડોલર થયું છે. ચીનની માંગ ઘટવાની આશંકાથી આ ભાવઘટાડો છે. જો કે, ક્રુડ ઘટવા છતાં ભારતમાં ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલમાં કોઈ ભાવઘટાડો થતો નથી કે ઉંચા ભાવ ચુકવતી પ્રજાને કોઈ રાહત આપવામાં આવતી નથી. ભારતીય નાગરિકો પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત ઝંખી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે સીએનજી તથા પીએનજી સસ્તા કરવાની દિશામાં વિચારણા હાથ ધરી હોવાના સંકેત છે.
જાહેર ક્ષેત્રની કંપનીઓના ઓલ્ડ ફીલ્ડમાંથી નિકળતા કુદરતી ગેસના ભાવો નિર્ધારિત થઈ શકે છે તેના આધારે સીએનજી-પીએનજી સસ્તા થવાની શકયતા છે. કિરીટ પારેખના વડપણ હેઠળની ગેસ કિંમત સમીક્ષા સમીતી દ્વારા આ ભલામણ કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, કઠિન ક્ષેત્રમાંથી નિકળતા ગેસ માટે મુલ્ય નિર્ધારણ ફોર્મ્યુલામાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે.