બીજીંગ તા.28 : ચીનમાં કોરોના નિયંત્રણની બહાર હોય તેમ આજે સતત પાંચમા દિવસે દૈનિક કેસનો રેકોર્ડ સર્જાયો હતો. આજે 40347 કેસો નોંધાયા હતા તેમાં 3822 લક્ષણવાળા તથા 36525 લક્ષણ વગરના કેસ હતા. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચ દ્વારા જારી કરાયેલા આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગઈકાલના 39791ની સામે આજે આંકડો વધ્યો હતો. જો કે, કોઈ મોત નોંધાયુ ન હતું.
ચીનમાં રેકોર્ડબ્રેક કોરોના કેસો વચ્ચે ઝીરો કોવિડ નીતિ અંતર્ગત લોકડાઉન સહિતના આકરા નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા હોવાથી ઉશ્કેરાયેલા લોકો શેરીઓમાં ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો છે. ચીનના પાટનગર બીજીંગમાં 3888 દૈનિક કેસ નોંધાયા હતા. જે આગલા દિવસથી ઓછા હતા. ફાઈનાન્સીયલ હબ સાંઘાઈમાં 144 કેસ હતા તે આગલા દિવસથી વધુ હતા. 1.9 કરોડની વસતી ધરાવતા ગોનાઝુમાં 7465 કેસ નોંધાયા હતા.