મતદાનના દિવસે રાજકોટ બનશે અભેદ્ય કિલ્લો: 5000 પોલીસ અધિકારીઓ-જવાનોનું કવચ

28 November 2022 03:51 PM
Rajkot Elections 2022 Saurashtra
  • મતદાનના દિવસે રાજકોટ બનશે અભેદ્ય કિલ્લો: 5000 પોલીસ અધિકારીઓ-જવાનોનું કવચ

► શહેરમાં સંભવત: ક્યારેય ન જોવાયો હોય એટલો પોલીસ બંદોબસ્ત તૈનાત

રાજકોટ, તા.28 : ગુરૂવારે રાજકોટની ચાર બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે તેને લઈને વહીવટી તંત્રમાં દોડધામ ચાલી રહી છે. બીજી બાજુ મતદાનના દિવસે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે મતદાનના દિવસે શહેરમાં 5000થી વધુ પોલીસ અધિકારીઓ-જવાનો તૈનાત થઈ જશે. જો કે મોટાભાગના સ્ટાફને આવતીકાલથી જ પોઈન્ટ ઉપર ગોઠવી દેવામાં આવશે.

આ માટે પાંચ રાજ્યોની ‘આર્મ્ડ યુનિટ’નું રાજકોટ આગમન થઈ ગયું છે અને આજે પોલીસ કમિશનર કચેરીમાં કમિશનરશ્રી રાજુ ભાર્ગવના વડપણ હેઠળ અન્ય રાજ્યોની પોલીસના તમામ અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અન્ય રાજ્યોમાંથી રાજકોટ ચૂંટણી બંદોબસ્તમાં આવેલી પોલીસ અધિકારીઓ-જવાનોની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા પંજાબ પોલીસની નોંધાઈ છે. પંજાબથી 10 ડીએસપી, 1 એએસપી સહિત 1500 જેટલા અધિકારીઓ-જવાનોએ આજથી શહેરમાં મોરચો સંભાળી લીધો છે. આ ઉપરાંત સિક્કિમથી એક યુનિટમાં 93 જેટલા જવાનો સામેલ હોય

તેવી પાંચ યુનિટ રાજકોટ આવી પહોંચી છે. પંજાબ-હરિયાણા-મણિપુર ઉપરાંત મેઘાલય, આસામ અને સિક્કિમથી પણ પોલીસ અધિકારીઓ-જવાનો રાજકોટ આવી પહોંચ્યા છે. આજે સવારથી જ પોલીસ કમિશનર કચેરીમાં અન્ય રાજ્યોના પોલીસ કર્મીઓની ચહલ-પહલ જોવા મળતાં ત્યાંથી નીકળતાં શહેરીજનો અચરજ પામી ગયા હતા અને એકબીજાને પૂછાણ કરવા લાગ્યા હતા કે આખરે કમિશનર કચેરીમાં આટલા બધા પોલીસ જવાનો શા માટે જોવા મળી રહ્યા છે ? અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો આવ્યા હોવાથી કમિશનર કચેરી ઉપરાંત બહારની સાઈડમાં ક્યાંય પણ વાહન રાખવાની જગ્યા ઉપલબ્ધ નહોતી.

જ્યારે રાજકોટ શહેરમાંથી મતદાનના દિવસે તૈનાત રહેનારા પોલીસ બંદોબસ્ત ઉપર એક નજર કરીએ તો ગુરૂવારે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ઉપરાંત ચાર ડીસીપી, 11 એસીપી, 35 પીઆઈ, 88 પીએસઆઈ, 572 એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ, 769 પોલીસ કોન્સ્ટેબલ, 1600 હોમગાર્ડ ઉપરાંત પેરામિલિટ્રી ફોર્સની 27 પ્લાટુન તૈનાત રહેશે. આ ઉપરાંત મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની નાની-મોટી ફરિયાદ મળે એટલે તાત્કાલિક રિસ્પોન્સ આપવા માટે ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ)ની કમાન 12 પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે કદાચ પાછલી ચૂંટણીઓમાં રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હોય તેવું કદાચ પહેલીવાર બન્યું હોઈ શકે છે. જો કે અધિકારીઓ દ્વારા આ પ્રકારનો બંદોબસ્ત દરેક ચૂંટણીમાં તૈનાત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આજે કમિશનર કચેરીમાં કોન્ફરન્સ રૂમમાં અન્ય રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે પોલીસ કમિશનર, શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મતદાનના દિવસે કોઈ પણ પ્રકારનો બનાવ આકાર ન લઈ જાય તે માટે બંદોબસ્ત કેવી રીતે જાળવવો તેને લઈને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

પંજાબ પોલીસની માઠી: ત્રિકોણબાગ પર જ્યાં ઉતારો અપાયો છે તે રેનબસેરામાં ન તો બાથરૂમની સુવિધા કે ન તો જમવાની !
ચૂંટણી ફરજ માટે પંજાબથી 1500 જેટલા પોલીસ અધિકારીઓ-જવાનો રાજકોટ આવી પહોંચ્યા છે અને તેમને એ-ડિવિઝન પોલીસ મથકની સામે આવેલા રેનબસેરામાં ઉતારો આપવામાં આવ્યો છે. જો કે આજે પંજાબ પોલીસના અધિકારીઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમને અત્યંત નિમ્ન કક્ષાની કહી શકાય તેવી રહેવાની સુવિધા આપવામાં આવી છે. રેનબસેરામાં ન તો બાથરૂમની સરખી વ્યવસ્થા છે કે ન તો ત્યાં જમવાની પણ કોઈ પ્રકારની સગવડ છે. દસ-દસ વખત ફોન કર્યા બાદ અહીં જમવાની વ્યવસ્થા થઈ રહી છે. હજુ અમારે ત્રણ દિવસ સુધી રાજકોટમાં રોકાવાનું હોવાથી મુળભુત સુવિધા મળે તે જરૂરી બની જાય છે નહીંતર જવાનોની ‘અકળામણ’નો પાર નહીં રહે !


Related News

Advertisement
Advertisement
Advertisement