રાજકોટ,તા. 28 : રાજકોટ જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોની આગામી તા. 1 ડીસેમ્બરના યોજાનાર ચૂંટણીના આડે હવે માત્ર 72 કલાક જ બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓને રજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ અધિક ચૂંટણી અધિકારી ખાચરના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ ચૂંટણી 16,000 જેટલાં કર્મચારીઓની વિશેષ સેવા લેવામાં આવી રહી છે. આ કર્મચારીઓનું અંતિમ રેન્ડમાઇઝેશન આવતીકાલે થતા તેઓને મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવશે.
જે બાદ બુધવારે રિસેવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટરો પરથી ઇવીએમ, વીવીપેટ તેમજ ચૂંટણી સાહિત્યનો કબજો લઇ ચૂંટણી અધિકારીઓ શહેર-જિલ્લામાં 2264 જેટલા મતદાન મથકો પર એસટીની સ્પેશ્યલ બસો મારફતે વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે. રાજકોટ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની 1000થી વધુ પ્રાથમિક શાળાઓ મતદાન બુથો માટે રોકી લેવામાં આવી હોય આ બિલ્ડીંગનો કબજો પણ બુધવારથી જ ચૂંટણી વિભાગ દ્વારા લઇ લેવામાં આવનાર છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોના વિસ્તારવાઈઝ ડિસ્પેચીંગ અને રીસેવીંગ સેન્ટરો નિયત કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ-ઇસ્ટ માટે ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજ, રાજકોટ વેસ્ટ માટે વિરાણી હાઇસ્કૂલ ટાગોર રોડ, રાજકોટ સાઉથ માટે પી.ડી. માલવિયા કોલેજ, રાજકોટ ગ્રામ્ય માટે સેન્ટ્રલ ઓડીટોરીયમ આત્મીય કોલેજ, જસદણ માટે મોડલ સ્કૂલ, કમળાપુર રોડ ખાતે, ગોંડલ મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલ, જેતપુર ખાતે બોસમીયા કોલેજ, જૂનાગઢ, ધોરાજી ખાતે ડ્રીમ સ્કૂલ, જેતપુર રોડ ખાતેનો સમાવેશ થાય છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોના વિસ્તારમાં 2264 જેટલા મતદાન બુથો પર મતદાન થનાર છે. જેમાં રાજકોટ પૂર્વના 273, રાજકોટ પશ્ર્ચિમના 310, રાજકોટ દક્ષિણના 228, રાજકોટ ગ્રામ્યના 384, જસદણના 281, ગોંડલના 236, જેતપુરના 300 અને ધોરાજીના 272 મતદાન બુથોનો સમાવેશ થાય છે. જિલ્લાના આ 2264 મતદાન બુથો પર બીયુ 3331, સીયુ 3331 અને વીવીપેટ 3677 મુકવામાં આવશે. આ અંગેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.