રાજકોટ, તા.28 : પ્રથમ તબકકાની વિધાનસભાની ચૂંટણી માટે ગુરૂવારે મતદાન થવાનું છે ત્યારે જાહેર પ્રચાર શાંત થતા પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રનો ઝંઝાવાતી પ્રવાસ કર્યો છે. આજે સાંજે 6.30 વાગ્યે રાજકોટમાં વિશાળ સભા છે ત્યારે છેલ્લા દિવસોમાં ફરી ઠંડી ચૂંટણી વચ્ચે ગરમ મોદી મેજીક છવાઇ ગયો છે. આ વખતની ચૂંટણીમાં પ્રચાર કે લોકોના ઉત્સાહમાં કોઇ મોટુ વાવાઝોડુ દેખાયુ નથી ત્યારે ફરી પૂરો માહોલ નરેન્દ્ર મોદી કેન્દ્રીત જ બની ગયો છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની બેઠકો પર મળે તેવું ચિત્ર આજે ઉભુ થયું છે.
આજે રાજકોટમાં વડાપ્રધાનની વિશાળ સભા સાથે પ્રચારનો સૌથી મોટો રાઉન્ડ પુરો થશે. પૂરી ચૂંટણીમાં પ્રચાર અને પ્રચારના મુદ્દા લગભગ નરેન્દ્રભાઇ મોદીની સરકાર આસપાસ જ ફરતા રહ્યા છે. હવે આ વખતે ગત ચૂંટણી કરતા ભાજપમાં માહોલ જુદો છે. વડાપ્રધાને 45 દિવસમાં રાજકોટ, ધોરાજી, જામકંડોરણા અને ફરી રાજકોટમાં એમ સતત ચાર સભાઓ કરી છે. ભાજપ હાઇકમાન્ડે રાજકોટ સહિતની બેઠકો પર નવા ચહેરાને તક સહિતના પ્રયોગ કર્યા છે. અમુક અંશે જુથવાદના દર્શન પણ થયા છે અને ઘણા નેતાઓ માત્ર તનથી અને મનથી નહીં એમ કામ કરતા હોવાથી ઉપર સુધી ફરિયાદો ગઇ છે.
► રેસકોર્ષમાં સભા બાદ આગેવાનો સાથે ખાનગી બેઠક : અકળ મતદારોને ફરી ભાજપ તરફે ખેંચવાનો વ્યુહ : રાજકોટની ચારે બેઠક પરથી ચિંતાના થોડા ઘણા વાદળો પણ વિખેરાઇ જવા પૂરી પાર્ટીને પ્રતિક્ષા
કેટલાક આગેવાનો નિષ્ક્રિય રહ્યા છે જે તમામ સંજોગો પર નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રવાસે ડેમેજ કંટ્રોલ કર્યુ છે. છેલ્લા દિવસોમાં અમુક નારાજ નેતાઓની ભાષા પણ કમળમય થઇ ગઇ છે. સુરતની જેમ વડાપ્રધાન રાજકોટમાં પણ સભા બાદ આગેવાનો સાથે થોડી મીનીટો માટે ગુફતેગુ કરે તેવી શકયતા છે. શહેર ભાજપે સભાની તમામ તૈયારીઓ કરી છે. આ વખતે આચારસંહિતના કારણે સરકારી તંત્રની સરકારી ખર્ચવાળી કોઇ સીધી મદદ નથી. પરંતુ સંખ્યા કરવા નેતાઓએ જોર લગાવી દીધુ છે. તાજેતરમાં ચૂંટણીના આવા સંજોગોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભરત બોઘરાને રાજકોટ સહિતની બેઠકોની વ્યવસ્થાના સંકલન માટે જવાબદારી સોંપતા ડો.બોઘરા રાજકોટ આવી ગયા છે. મન ન કળવા દેતા અમુક સાયલન્ટ વોટરને નરેન્દ્ર મોદીની સભા બુથ સુધી ખેંચી લાવી શકે છે.
આ રીતે નરેન્દ્ર મોદીનો વન મેન શો ઘણો ફર્ક પાડશે તેવું ચિત્ર ફરી દેખાયું છે. રાજકોટ-68માં પાટીદાર સમાજના અમુક લોકો ટીકીટ કપાવાથી નારાજ હોવાની છાપ છે. તો રાજકોટ-69માં ઓબીસી, બ્રાહ્મણ, લોહાણા સહિતના અમુક જ્ઞાતિજનો પણ દુ:ખી છે. આ રીતે વડાપ્રધાન આજની રાજકોટની સભા સાથે આ તમામ ડેમેજ કંટ્રોલ કરશે તેવું માનવામાં આવે છે. આ કારણે જ ટુંકા ગાળામાં વડાપ્રધાનની બે-બે સભા રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાઇ છે. આજે સાંજની સભા પૂરી કરીને પ્રધાનમંત્રી સીધા દિલ્હી રવાના થશે. પરંતુ રાજકોટ છોડતા પહેલા વિધાનસભાની ચારેય બેઠકના ઉમેદવારની તરફેણમાં વાતાવરણ વધુ મજબુત કરતા જાય તેવી મોટી આશા ભાજપ નેતાગીરીને છે. આ છેલ્લો ઘા વિપક્ષોને કદાચ ભારે પડે તેવી આગાહી પણ રાજકીય નિરીક્ષકો કરવા લાગ્યા છે.
રેસકોર્ષ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ સભા માટે તમામ તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી છે. ખીલશે કમળ, જીતશે ગુજરાત એ થીમ સાથે પ્રધાનમંત્રી જનતાને સંબોધન કરવાના છે. આ સભાની તૈયારીમાં કોઇ કચાસ ન રહે તેવી ગોઠવણ પક્ષે કરી છે. જે મંડપ, શમીયાણો, સ્ટેજ, બેઠક વ્યવસ્થા નજરે પડે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)