► મધ્ય ગુજરાતનું સુકાન અમીત શાહે સંભાળ્યું: અમદાવાદમાં અનેક અગ્રણીઓ સાથે બેઠકો યોજી: સી.આર. સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરવા હેલીકોપ્ટરમાં ઉડાઉડ કરે છે
રાજકોટ તા.28 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના હવે આખરી કલાકો બાકી રહ્યા છે તે સમયે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં એક તરફ 28 કી.મી. લાંબો રોડ શો કર્યો અને આ પચરંગી શહેરમાં પાટીદારો સહિત સૌ મતદારોને મનાવવાની જબરી કવાયત કરી હતી તો રાત્રે સર્કીટ હાઉસ ખાતે રોકાણ કરીને આ દરમિયાન સુરતના ટોચના ઉદ્યોગપતિઓમાંથી કેટલાક સાથે રૂબરૂ ચર્ચા હતી
જયારે અન્યને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મારફત સંદેશા પણ પહોંચાડયા હતા. સુરતમાં શ્રી મોદીની સાથે પ્રદેશ પ્રમુખ પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી બંને સાથે રહ્યા હતા. રાત્રીના સભા પુરી થયા બાદ મોદીએ સર્કીટ હાઉસમાં જ હળવુ ભોજન લીધુ હતું અને આજે સવારે મોદીએ કેટલાક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં પાટીદાર અગ્રણી મુકેશ પટેલ કે જેઓ સુરતમાં સારી નામના ધરાવે છે અને વડાપ્રધાન સાથે પણ તેમના નજીકના સંબંધ છે. તેઓ સાથે મોદીએ સીધી વાતચીત કર્યા બાદ કેટલાક પાટીદાર નેતાઓને પણ વરાછા સહિતના મતવિસ્તારો ‘સાચવી’લેવા સંદેશા મળવા લાગ્યા હતા.
એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસના રાત્રીના પહોંચીને મીટીંગો કરી રહ્યા છે અને એકપણ બેઠકનું ડેમેજ ન થાય તે જોવા ચિંતા કરે છે તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મધ્ય ગુજરાતનો દૌર સંભાળ્યો છે અને તેઓએ અમદાવાદમાં પક્ષના અને અન્ય અગ્રણીઓ સાથે પણ વાતચીત કરી હતી.