જયરાજસિંહ સામે અનિરૂધ્ધસિંહ ખુલ્લેઆમ મેદાને : કોંગ્રેસને જીતાડવા આહ્વાન

28 November 2022 04:53 PM
Rajkot Elections 2022 Politics
  • જયરાજસિંહ સામે અનિરૂધ્ધસિંહ ખુલ્લેઆમ મેદાને : કોંગ્રેસને જીતાડવા આહ્વાન

♦ ગોંડલ વિધાનસભા બેઠકનો ‘માહોલ’ સ્ફોટક બનવા લાગ્યો : ખુલ્લા પડકારા

♦ બંધારણ બચાવો સંમેલનમાં આક્રમક વિધાનો : ગોંડલમાં દલિતોનું કોઇ નથી : જયરાજસિંહ પરિવારને હજુ રપ વર્ષ સંઘરવા પડશે અન્યથા કોંગ્રેસને જીતાડી દયો

રાજકોટ, તા. 28
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમી પકડી રહ્યો છે.અનેક જગ્યાએ ઉમેદવારો વચ્ચે તણખા ઝરી રહ્યા છે.દરમિયાન ગુજરાતની એક સીટ તો ધગધગી ગઈ છે.વાત થઈ રહી છે હાઈપ્રોફાઈલ એવી ગોંડલ સીટની ભાજપે ફરી અહીં જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી છે.પણ આ વખતે ગોંડલની હવામાં તંગદીલી ભળી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલા જયરાજસિંહ જાડેજાનો એક નવો વીડિયો સામે આવ્યો હતો.જેમાં તેમણે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી છે કે કોઈના મગજમાં રાય ભરાઈ ગઈ હોય તો કાઢી નાખે.જયરાજસિંહ જીવે છે ત્યાં સુધી તેના પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે.

જયરાજસિંહે હાલમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત ગોંડલ મતવિસ્તારમાં આવતાં ભુણાવા ગામની મુલાકાત લીધી હતી.ત્યારે રાત્રે ગામના ચોકમાં તેમણે ગામના લોકોને સંબોધ્યા હતા.જેમાં જયરાજસિંહે આક્રમક ભાષણ આપ્યું હતું.આ સભામાં જયરાજસિંહે ક્ષત્રિય સમાજના આગેવાનોને આડેહાથ લીધા હતા.તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપી હતી અને અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ પણ લીધું હતું.જયરાજસિંહે ઉમેર્યું હતું કે તમને ભરી દેવાની વાત ઠીક છે તમારા એડ્રેસ ન જડવા દઉં.આ રેકોર્ડિંગ કરી લેજો રેકોર્ડિંગ.

ગોંડલના દેરડી કુંભાજીમાં બંધારણ બચાવો સંમેલન એકઠા થયા હતા તેમાં એક દલિત સમાજના સંમેલનમાં મુખ્ય મહેમાન બનેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા કે,જયરાજે મારી સાથે દગો કર્યો હતો.મારા પરિવારની ખોટી વાતો કરે છે અને મારા પિતા મહિપતસિંહ જે 90 વર્ષના છે તેને પણ જયરાજસિંહનો પુત્ર તુકારે બોલાવે છે.જયરાજસિંહ અને તેમના પુત્ર અને ગેંગ દ્વારા દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે અને પોલીસ મુક પ્રેક્ષક બની જોઈ રહી છે.

દલિત પર અત્યાચાર થાય છે તેની કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને ન્યાય મળતો નથી તેમજ બિલિયાળામાં પણ આવો જ બનાવ બન્યો હતો ત્યાં પણ જયરાજસિંહ અને તેની ગેંગ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હતો.તેમજ ગોંડલ જેલમાં અગાઉ જેલર તરીકે ફરજ બજાવી ચૂકેલા પરમાર સાહેબ દલિત સમાજ માંથી આવતા હતા જેમને પણ ટાર્ગેટ કરી ગુજસીટોકમાં નાખી દીધા હતા તેમના પરિવારની કફોડી હાલત થઈ ગઈ છે.

અનિરૂદ્ધ જાડેજાએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે,કોંગ્રેસને વોટ આપો અને પરિવર્તન લાવો.ગોંડલમાં 20 વર્ષથી અત્યાચાર ભોગવી રહ્યા છો. નહીં તો હજુ ભોગવવું પડશે અને 25 વર્ષ હજુ સંઘરવા પડશે. ઉલ્લેખનીય છે કે,અગાઉ રીબડા જૂથના ભાજપના સહકારી આગેવાન જયંતી ઢોલે મીડિયાને જણાવ્યું હતું કે ’જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જિતાડી દઈશ અને જિતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ.


Related News

Advertisement
Advertisement
Advertisement