વિધાનસભા-70માં ધનિક ઉમેદવાર સામે ભાજપના કાર્યકર્તાઓ મજૂરીયા અને લૂછણીયા બની ગયા : જબરો આક્રોશ

28 November 2022 05:02 PM
Rajkot Elections 2022 Politics
  • વિધાનસભા-70માં ધનિક ઉમેદવાર સામે ભાજપના કાર્યકર્તાઓ મજૂરીયા અને લૂછણીયા બની ગયા : જબરો આક્રોશ

◙ હજારો કાર્યકર્તાઓની વચ્ચેથી કોઇપણ સંનિષ્ઠ વ્યક્તિને પસંદ કરી શકાયા હોય ફક્ત પેરાશૂટ ઉમેદવાર રૂપિયાના પટારા સાથે આવ્યા અને ભાજપ મોવડી મંડળે ટીકીટ આપી દીધી : મતદારોમાં પ્રશ્ન

◙ રમેશભાઈ ટીલાળાની ઓફીસમાં જવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે તો શું ગરીબો સુધી કઇ રીતે પહોંચી શકશે ? કાર્યકર્તાઓ અને મતદારોમાં સતત ઉઠી રહેલા પ્રશ્ર્નો ભાજપ માટે લાલબત્તી જેવા

◙ અડધી રાતે ફોન ઉપાડી શકે તેવા અને લોપ્રોફાઈલ રહે તેવા ઉમેદવાર આપ્યા હોત તો કાર્યકરોએ ખભે ચડાવ્યા હોત : આ તો માથે મરાયા હોવાનો ઘાટ

રાજકોટ,તા. 28
સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપના પાયામાં રહેલા અને પક્ષના સુવર્ણ ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવનાર રાજકોટમાં વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પક્ષે એક તરફ રાજકોટ-68, 69 અને 71 વિધાનસભા બેઠક માટે પક્ષના કાર્યકર્તાઓની વચ્ચે રહેનાર અને લોકોની ચાહના મેળવનાર ઉમેદવારોને પસંદ કર્યા તો બીજી તરફ રાજકોટ-70માં પેરાશૂટ ઉમેદવારને ઉતારીને કાર્યકર્તાઓને જબરો આઘાત જ આપ્યો હતો તેમાંથી હજુ સુધી ભાજપના કાર્યકર્તાઓ બહાર આવી શક્યા નથી તે ફક્ત કાર્યકર્તાઓ જ નહીં 70ના મતદારો પણ અવઢવમાં છે કે જેઓ પેરાશૂટ ઉમેદવારોની તો અપેક્ષા જ રાખતા ન હતા અને સેવાની લડાઈમાં જે રીતે ભાજપ મોવડી મંડળે પૈસાને મહત્વ આપ્યું તેનાથી વિધાનસભા-70માં વાતાવરણ ડહોળાઈ ગયું છે અને કાર્યકર્તાઓ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે.

જે આ રીતે જ ઉમેદવાર પસંદ કરવાના હતા તો પછી સેન્સ સહિતની પ્રક્રિયા કરવામાં જ આવી શા માટે ? અને બીજી મહત્વનું વાત એ છે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ગોવિંદભાઈ પટેલ જેવા સરળ, સેવાભાવી, કર્મનિષ્ઠા અને પારખી છઠ્ઠીના જાગતલ તેવા પ્રતિનિધિને બદલે રાજકીય અખાડો બની ગયેલા એક ધર્મસ્થાનના દબાણથી ધારાસભાની ટીકીટ આપી તે લોકો સ્વીકારી શકતા નથી.

વાસ્તવમાં વિધાનસભા-70માં ભાજપના કાર્યકર્તાઓથી લઇ મતદારો પક્ષના જ કોઇ સંનિષ્ઠ ચહેરાને કે જેણે ભાજપમાં વર્ષોથી પરસેવો પાડીને પક્ષનું કામ કર્યું હોય અને દરેક ચૂંટણીમાં કમળને જીતાડતા આવ્યા છે અને આ ચૂંટણીમાં પણ તેઓ જ માહોલ હતો. પરંતુ હવે કાર્યકર્તાઓને ધનિક વ્યક્તિના મજૂરીયા અને લૂછણીયા જેવું કામ કરવાનું આવ્યું છે અને તેથી કાર્યકર્તાઓમાં ઉમેદવાર પ્રત્યે અણગમો દેખાય રહ્યો છે અને વિધાનસભા-70માં 2009 વાળી થાય તો નવાઈ પામશે નહીં.

ભાજપના કાર્યકર્તાઓ એટલા સંવેદનશીલ છે કે તેઓ યોગ્ય ઉમેદવાર ન પસંદ થાય તો કાર્યાલયને તાળા મારવા સુધી જાય છે પરંતુ હવે તેમ કરવાને બદલે અલગ રીતે પોતાનો મત દર્શાવશે તેવા સંકેત છે.

ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળાની ઓફીસમાં વગર મંજૂરીએ પણ જઇ શકાતું નથી. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનો પણ તેનો અનુભવ છે તેથી તેઓ ચૂંટાય તો સામાન્ય માનવી કઇ રીતે જઇ શકશે તે પ્રશ્ર્ન છે. વિપરીત પરિસ્થિતિમાં પણ ભાજપને મજબૂત બનાવીને કામગીરી કરનારા ગોવિંદભાઈ પટેલની બાદબાકી ક્યા કારણોસર કરવામાં આવી તે તો સવાલનો જવાબ મળ્યો જ નથી. પરંતુ ફક્ત આર્થિકતાકાતના આધારે જો ઉમેદવારોની પસંદગીનો સીલસીલો ચાલુ થશે તો કદી કાર્યકર્તાઓ માટે મજુરીયા જ બની રહેવાનું ભવિષ્યમાં આવશે તે નિશ્ચિત છે.

લોકસેવક લોપ્રોફાઈલ હોવો જોઇએ. અડધી રાતે ફોન ઉપાડનાર હોવો જોઇએ અને તેનામાં સેવાનું પ્રતિબિંબ પડવું જોઇએ અને એવું વાતાવરણ સર્જવું જોઇએ કે જેથી કમળ સાશ્ર્વત રીતે ચૂંટાતું આવે અને અનેક વ્યથા, મોંઘવારી, ગરીબી છતા પણ ભાજપની સાથે રહે છે પણ હવે લોકો પ્રશ્ર્ન પૂછતા થઇ ગયા છે કે તમે ધનવાનને પસંદ કરીને શું સંદેશ આપવા માગો છો જે ભાજપ માટે લાલબત્તી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે અને મતદારો સાથે જે લગાવ ધરાવે છે તેના મૂળમાં કાર્યકર્તાઓ માટેનો તેમનો પ્રેમ છે તો આ વચ્ચે હવે કોંગ્રેસના લો પ્રોફાઈલ અને સૌના મિત્ર તેવા સેવાભાવી હિતેષભાઈ વોરા તરફ મતદારો ઝૂકશે તેવું વાતાવરણ પણ બની ગયું છે.

ગોવિંદભાઈ પટેલને શું પોલીસનું કટકીકાંડ ઉજાગર કરવાની સજા મળી ?
ગુજરાતના ઇતિહાસમાં કદાચ કોઇ ધારાસભ્યએ પોતાના શાસન સમયે ભ્રષ્ટાચારના પુરાવા સહિતના ધડાકા કર્યા હોય અને તે પણ પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારી સામેના પૂરાવાના કારણે રાજ્ય સરકારને પણ એકશનમાં આવવાની ફરજ પડી હોય તે કામગીરી ફક્ત ગોવિંદભાઈ પટેલે જ કરી હતી અને તેઓએ લોકસેવક તરીકેની પોતાની ફરજ બજાવી હતી. કોઇ વ્યક્તિને પોલીસ હેરાન ન કરી શકે તે માટે ગોવિંદભાઈના આ પ્રયાસો હતા પરંતુ તેમને ટીકીટ ન આપીને કદાચ કટકીકાંડ ઉજાગર કરવાની સજા મળી હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement