શેરબજાર નવા-નવા રેકોર્ડના સ્તરે: સેન્સેકસ 400 પોઈન્ટ ઉછળ્યો: રીલાયન્સ 100 રૂપિયા ઉંચકાયો

28 November 2022 05:03 PM
Business India
  • શેરબજાર નવા-નવા રેકોર્ડના સ્તરે: સેન્સેકસ 400 પોઈન્ટ ઉછળ્યો: રીલાયન્સ 100 રૂપિયા ઉંચકાયો

આઈટી-પેટ્રોલીયમ શેરોમાં કરંટ: સ્ટીલ શેરો નબળા પડ્યા

રાજકોટ તા.28 : મુંબઈ શેરબજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભે પણ તેજીનો દોર આગળ ધપતો રહ્યો હોય તેમ હેવીવેઈટ સહિતના શેરોમાં ધૂમ લેવાલીની અસરે સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સેન્સેકસમાં 400 પોઈન્ટનો ઉછાળો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનુ બની રહ્યું હતું. શરૂઆત સાવચેતીના ટોને રહ્યા બાદ થોડી મીનીટોમાં જ વલણ પલ્ટાઈ ગયુ હતું.

વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી લેવાલી, વિશ્વબજારોના પ્રોત્સાહક ટોન, ભારતીય અર્થતંત્ર વિશે આશાવાદી સુર, કોર્પોરેટ કામગીરી સારી હોવાના સંકેતો સહિતના કારણોથી માનસ તેજીનુ બની રહ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં વૈશ્વીક મંદીનો કોઈ ભય ન હોય તેવુ વાતાવરણ છે. ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોવાથી ચિંતાને કોઈ કારણ નથી. નાના ઈન્વેસ્ટરોનું પણ રોકાણ ઠલવાતુ જ રહ્યું છે. શેરબજારમાં આજે રિલાયન્સે માનસ ફેરવી નાખ્યુ હતું. 100 રૂપિયાના ઉછાળાથી ભાવ 2700ને વટાવી ગયો હતો.

આ સિવાય અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, નેસલે, ટીસીએસ, ભારત પેટ્રો, હીરો મોટો ઉંચકાયા હતા. ભારતી એરટેલ, ડો. રેડ્ડી, એચડીએફસી, હિન્દ લીવર, મહીન્દ્ર, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, ગ્રાસીમ નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 356 પોઈન્ટ ઉંચકાઈને 62649 હતો તે ઉંચામાં 61701 તથા નીચામાં 61959 હતો. નિફટી 90 પોઈન્ટ ઉંચકાઈને 18603 હતો તે ઉંચામાં 18614 તથા નીચામાં 18365 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement