ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઈતિહાસ: એક જ ઓવરમાં 7 છગ્ગા લગાવી બનાવ્યા 43 રન !

28 November 2022 05:05 PM
Sports
  • ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઈતિહાસ: એક જ ઓવરમાં 7 છગ્ગા લગાવી બનાવ્યા 43 રન !

હઝારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશ વચ્ચેની મેચમાં બન્યો અતૂટ રેકોર્ડ: ઋતુરાજે 159 બોલમાં 16 છગ્ગા-10 ચોગ્ગાની મદદથી ઝૂડ્યા અણનમ 220 રન

નવીદિલ્હી, તા.28 : ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલાં જે ક્યારેય નહોતું બન્યું તે કમાલ ઋતુરાજ ગાયકવાડે કરી બતાવી છે. વિજય હઝારે ટ્રોફી-2022ના બીજા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં તેણે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ કરતાં અણનમ 220 રનની ભાગીદારી કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 16 છગ્ગા અને 10 ચોગ્ગા લગાવ્યા જ્યારે 159 બોલનો સામનો કર્યો હતો.

પોતાની આ ઈનિંગમાં ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત છગ્ગા લગાવવાની કમાલ કરીને ઈતિહાસ રચી દીધો છે. ઋતુરાજ ગાયકવાડએ ઉત્તરપ્રદેશ વિરુદ્ધ પહેલી ઈનિંગની 49મી ઓવરમાં શિવા સિંહની બોલિંગમાં ઈતિહાસ રચતાં તેની એક ઓવરમાં સાત છગ્ગા લગાવ્યા હતા. લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં એક ઓવરમાં સાત છગ્ગા લગાવનારો ઋતુરાજ ગાયકવાડ દુનિયાનો પ્રથમ બેટર છે. આ ઓવરમાં તેણે નો-બોલમાં એક છગ્ગો લગાવ્યો હતો જે ઓવરનો પાંચમો બોલ હતો મતલબ કે એક જ ઓવરમાં તેણે 43 રન લૂંટી લીધા જે એક અતૂટ રેકોર્ડ છે. લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં ઋતુરાજનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ બન્યો છે.

આ મેચમાં તેણે પોતાના પ્રથમ 100 રન 109 બોલમાં પૂર્ણ કર્યા જ્યારે આગલા 50 બોલમાં તેણે 120 રન બનાવી નાખ્યા હતા. તેની આ ઈનિંગના દમ પર મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટે 330 રન બનાવ્યા હતા.લિસ્ટ એ ક્રિકેટ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયો હતો પરંતુ પોતાની અણનમ 220 રનની ઈનિંગ રમીને ઋતુરાજે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement