♦ પતિની લાશના ટુકડા ફ્રીઝમાં રાખેલા : માતા-પુત્ર લાશના ટુકડાનો આસપાસના વિસ્તારમાં નિકાલ કરતા : પતિના અન્ય સાથે અવૈધ સંબંધની શંકાને લઇને પત્નીએ કૃત્ય આચર્યું : માતા-પુત્રની ધરપકડ
નવી દિલ્હી,તા. 28
માનવ હવે નર રાક્ષસ બનવા લાગ્યો છે કે શું ? દિલ્હીમાં શ્રધ્ધાની તેના પ્રેમી દ્વારા હત્યા કરી તેની લાશના 35 ટુકડા કરીને જંગલમાં ટુકડાને ફેંકી દેવાની ઘટનાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં દિલ્હીમાં આવી બીજી ઘટના બહાર આવી છે જેમાં માતાએ પુત્ર સાથે મળીને પતિની હત્યા કરીને પતિની લાશના 22 ટુકડા કરી નાખ્યા અને તે ફ્રીઝમા રાખ્યા હતા. પોલીસે માતા-પુત્રની ધરપકડ કરી છે. પતિના અન્ય મહિલા સાથે ગેરકાયદે સંબંધની શંકામાં હત્યા થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ હત્યા પણ 6 મહિના પહેલા એટલે કે જૂન મહિનામાં કરાઈ હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે માતા-પુત્રીની ધરપકડ કરી છે. 1 જૂન 2022ના બહાર પડેલા સીસીટીવી ફૂટેજના રાત્રે લગભગ 12-14 વાગ્યે પુત્ર દીપક હાથમાં બેગ લઇને જતો જોવા મળે છે, તેની પાછળ માતા પૂનમ પણ જોવા મળે છે.
પોલીસને પહેલા દિલ્હીના પાંડવનગરમાં મૃતદેહના ટુકડા મળ્યા હતા, જે ખરાબ રીતે સડી ગયા હતા. દરમિયાન શ્રધ્ધા હત્યા કેસ બહાર આવતા પોલીસે આ મામલાને તેની સાથે જોડીને તપાસ કરતા જાણવા મળ્યું હતું. મૃતદેહના ટુકડા પાંડવનગરમાં રહેતા અંજન દાસના હતા.
પોલીસે જણાવ્યું હતું કે પત્ની પૂનમને શંકા હતી કે પતિના અન્ય સાથે અવૈધ સંબંધ છે. પહેલા મહિલાએ પતિને ઉંઘની ગોળી આપી પછી તેની હત્યા કરી નાખી હતી. આ પછી પુત્ર સાથે મળીને લાશના ટુકડા કરીને ફ્રીજમાં રાખ્યા હતા અને આ ટુકડા પાંડવનગર અને આસપાસના વિસ્તારોમાં ફેંકી દીધા હતા.