રાજકોટ, તા.28 : રાજકોટ શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે, જેથી મચ્છરજન્ય ઉપરાંત સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના નવા 11 કેસ નોંધાવવા સાથે શરદી, ઉધરસના પણ પોણા ત્રણસો જેટલા દર્દી સત્તાવાર રીતે મનપાની આરોગ્ય શાખાના ચોપડા પર ચડયા છે.
મેલેરીયા શાખાએ આજે જાહેર કરેલી વિગતો મુજબ તા.21-11 થી તા.27-11 સુધીના અઠવાડિયામાં ડેંગ્યુના નવા 11 કેસ આવતા વર્ષમાં નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 235 થઇ છે. તો ચીકનગુનીયાનો એક કેસ આવતા વર્ષના કુલ કેસનો આંકડો ર6 પર પહોંચ્યો છે. મેલેરીયાના કોઇ નવા કેસ સપ્તાહમાં નોંધાયા નથી.
ઠંડીની શરૂઆત અને મિશ્ર ઋતુ વચ્ચે શરદી-ઉધરસના 279 દર્દીની નોંધ થઇ છે. સામાન્ય તાવના 38 અને ઝાડા- ઉલ્ટીના પ3 કેસ ચોપડા પર ચડયા છે. આ રીતે શિયાળામાં ઠંડા ખાનપાન અને ઠંડકના કારણે શરદી-ઉધરસના કેસમાં હજુ વધારો થશે તેવું લાગે છે કારણ કે સરકારી સિવાય ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. દરમ્યાન શિયાળાના પ્રારંભે મચ્છર જન્ય રોગચાળો રોકવા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.21 થી 27 દરમ્યાન 71,688 ઘરોમાં પોરાનાશક અને 1156 ઘરોમાં સઘન ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
જેમાં સ્વામી વિવેકાનંદનગર (53 કવા.), રામકૃષ્ણનગર શેરી નં. 10, 12, 13, સખીયાનગર, રાજીવનગર, વસંત વિહારની સામેનો વિસ્તાર, ત્રિલોક પાર્કમાં બાજુમાં આર.એમ.સી.આવાસ કવા., નવી કલેકટર ઓફિસ આસપાસનો વિસ્તાર, રાઘાનગર સોસા., જવાહર સોસા., લાલ બહાદુર સોસા., મઘુવન પાર્ક (માઘાપર ચોકડી), કૈલાસવાડી, દિવાનપરા, ડી.એમ. રેસીડેન્સી, પ્રણામી પાર્ક નં. 3, ઘાંચીવાડ, કેવડાવાડી, અરવિંદભાઇ મણીયાર-બી કવા. હુડકો, વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળે ત્યાં મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ 817 સ્થળે તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 585 અને કોર્મશીયલ 64 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.