રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના વ્હાલપૂર્વક વધામણા કરવા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ : રાજુભાઈ ધ્રુવ

28 November 2022 05:27 PM
Rajkot Elections 2022 Gujarat Politics
  • રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના વ્હાલપૂર્વક વધામણા કરવા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ : રાજુભાઈ ધ્રુવ

► ભલે પધાર્યા નરેન્દ્રભાઈ.. સૌરાષ્ટ્ર-રાજકોટની જનતા તમને આવકારે છે

► આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ બની ગયેલા નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં રાજકોટનું અનેરૂ સ્થાન : સૌરાષ્ટ્રને હંમેશા મોદીસાહેબે દિલથી ચાહ્યું છે અને માંગ્યા વિના મનમૂકીને આપ્યું છે : રાજકોટની ચારેય બેઠકથી સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મજબૂત બનાવીએ

રાજકોટ તા. 28
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ફરી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર અને રાજકોટ ઉપરાંત અંજારમાં પણ તેમની જાહેર સભા છે. નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટ સૌરાષ્ટ્રના લોકોના મનમાં હરખ ઊભરાઈ રહ્યો છે. સૌ કોઈ આ લાડકા નેતાને આવકારવા માટે આતુર બન્યા છે એવું જણાવતા ભાજપ અગ્રણી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે, રાજકોટ સાથે નરેન્દ્રભાઈ મોદીનો એક અનોખો, નિરાળો નાતો છે. આજે પણ જાહેર સભામાં હજારો લોકો ઉમટી પડવાના છે.

નરેન્દ્રભાઈ મોદી આજે તો આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. તેઓ ભારતનો ચહેરો છે. જ્યાં જુઓ ત્યાં આજે ભારતની બોલબોલા છે તેનું કારણ નરેન્દ્રભાઈએ આ દેશનો કરેલો સર્વાંગી વિકાસ છે. દેશની સંસ્કૃતિ, મૂલ્યો બધું જાળવીને દેશને અન્ય વિકસિત દેશોની હરોળમાં તેમણે મૂક્યો છે. આ દેશની ધાર્મિક, સામાજિક પરંપરાની પૂરતી સંભાળ લેવાની સાથે તેમણે આર્થિક વિકાસનો પથ લોકોને બતાવ્યો છે.

આજે નરેન્દ્રભાઈ વિશ્વ વિખ્યાત છે પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક જ હતા ત્યારથી આ પ્રદેશ સાથે અનોખા ભાવ થી જોડાયેલા સ્વયંસેવક તરીકે, પ્રચારક તરીકે તેઓ સૌરાષ્ટ્રમાં સતત ફરતા. કચ્છ જતા. રાજકોટમાં અનેક પરિવાર એવા છે જેમને તેઓ રહેતા. સૌરાષ્ટ્રના નાના નાના ગામોમાં તેમનો મુકામ રહેતો. જ્યાં મહેમાન બન્યા હોય ત્યાં જે હોય તે જ સાદું ભોજન લેવાનો તેમનો આગ્રહ રહેતો. કુટુંબમાં કુટુંબની જેમ સમાઈ જતા. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે તો નરેન્દ્રભાઈએ રાજકોટ સહિતના વિસ્તારોમાં અદભૂત કામ કર્યું હતું.

મોરબીની જળહોનારત વખતે એક સ્વયંસેવક બનીને તેઓ પહોંચ્યા હતા અને રાહતકામમાં દિવસો સુધી જોડાયા હતા. કચ્છમાં વિનાશક ધરતીકંપ થયો ત્યારે ત્યાં સૌથી પહેલાં બહારથી પહોંચનારા રાજકીય વ્યક્તિ નરેન્દ્રભાઈ હતા. કચ્છની અવદશા જોઈને તેમની સંવેદના ખળભળી ઊઠી અને આ છેવાડાના પ્રદેશને બેઠો કરવાનો તેમણે શુભસંકલ્પ કર્યો હતો. રાત દિવસ બસ કચ્છના વિકાસની ચિંતા તેઓ કર્યા કરતા.

નિયતીનું ફરમાન કંઈક અલગ હતું એટલે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કચ્છના વિકાસને વેગ મળ્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કચ્છને ઔદ્યોગિક જિલ્લા તરીકેનું બહુમાન આજે મળ્યું છે તેમાં નરેન્દ્રભાઈ મોદીનું વિઝન મહત્વનું રહ્યું છે. રણોત્સવના નામે કચ્છના વિકાસનો વધુ એક રસ્તો તેમણે ખોલ્યો. મુખ્યમંત્રી તો તોએ હતા. બંધારણીય વ્યવસ્થા અનુસાર તેમણે ધારાસભ્ય તરીકે પણ ચૂંટાવાનું હતું. તેમના માટે પક્ષે રાજકોટ-2 વિધાનસભા મતવિસ્તારની બેઠક પસંદ કરી.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી તેઓ પ્રથમવાર ચૂંટણી લડ્યા અને જીત્યા. ગુજરાતના વિકાસનો સુવર્ણયુગ રાજકોટની તે ચૂંટણીથી શરુ થયો તેમ કહેવાય કારણ કે 2002ના ફેબ્રુઆરીમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ જેવા અનેક આયોજનો શરુ થયાં. ખેલ મહાકુંભ,કલા મહાકુંભ,વાંચે ગુજરાત જેવા પ્રકલ્પોથી તેમણે લોકોને સરકારી કાર્યક્રમો સાથે જોડ્યા. ઉત્સવોને અનોખું રુપ આપ્યું. અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ હોય કે રાજકોટનો લોકમળો હોય દરેક પ્રસંગનું સ્વરુપ બદલાઈ ગયું.

ગુજરાતમાં આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે અને તે પણ રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું છે. કેવડિયા કોલોની વિતારને પ્રવાસનના દૃષ્ટિકોણથી ઉત્તમ બનાવી દીધો. 2014માં નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા. દેશના વિકાસને પણ ગુજરાત મોડેલનો લાભ મળ્યો. અને ગુજરાતને તો મળ્યો જ. આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. ગુજરાતમાં વિમાન બનવાની તૈયારી છે. જે રાજકોટમાં નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં છે. ગુજરાતની સર્વપ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે. આજે નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર રાજ્યનો વિકાસ કરી રહી છે.

સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીને વિશેષ પ્રેમ છે તે વાતનો સૌથી મોટો પુરાવો સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડુતો સિંચાઈના પાણી માટે વર્ષો સુધી સંઘર્ષ કરતા હતા. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્યું. નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો અમલ 2016થી કર્યો અને સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરવાનો સંકલ્પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ સૌની યોજનાને આભારી છે અને સૌની યોજના મોદી સાહેબને આભારી છે.

આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ખાઈ રહ્યું છે. હજી તે આગળ વધવાની છે. સૌરાષ્ટ્ર માટે-કચ્છ માટે મોદી સરકારે આટલું બધું કર્યું છે. સૌરાષ્ટ્રના લોકો તમામ ચૂંટણીઓમાં હવે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે. બે દિવસ પછી સૌરાષ્ટ્ર કચ્છની 48 બેઠકો પર મતદાન છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારો ભાજપને જીતાડવા માટે તૈયાર છે. આજે નરેન્દ્રભાઈ મોદી રાજકોટ અને જામનગર આવ્યા છે. રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓનો તેમને સંદેશ એજ છે કે ભરોસો એટલે ભાજપ. સૌ કોઈ એક મતે ભાજપને વિજેતા બનાવવાનો નિશ્ચય કરી ચૂક્યા છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement