► ઇશ્વરના ઐક્યમાં માનુ છું, કોમી એખલાસનું વાતાવરણ ડહોળાય તેવો મારો કોઇ ઇરાદો નથી : ચૂંટણી અધિકારી સમક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન
રાજકોટ,તા. 28 : વિધાનસભાની રાજકોટ પૂર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ દેવપરા (જંગલેશ્વર) વિસ્તારની ચૂંટણી સભામાં અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ બેઠા હોવાનું જણાવી અલ્લાહ હૂ અકબરના નારો લગાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુને આ નિવેદનનો વીડિયો પણ વાઇરલ થતાં ભાજપે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ ઉઠાવી હતી. આ પ્રકરણમાં રિટર્નીંગ ઓફીસર (ચૂંટણી અધિકારી) સુથારે આજે રાજકોટ પૂર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને બોલાવી નિવેદન લીધું હતું તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદનને આચારસંહિતાની ફરિયાદના નોડલ ઓફીસર આશિષકુમાર (ડેપ્યુટી મ્યુનિ. કમિશનર)ને મોકલી આપેલ હતું. રાજકોટ પૂર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હું ઇશ્વરના ઐક્યમાં માનું છું.
અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ બેઠા હોવાના તેઓનું નિવેદન તેઓની દ્રષ્ટિએ મહાદેવ અને અલ્લાહ એક જ છે એમ તેઓ માને છે. કોમી એખલાસનું વાતાવરણ ડહોળાય તેવો તેમનો કોઇ જ ઇરાદો નથી. ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન બાદ આચારસંહિતાનો ભંગ થતો ન હોવાનું તપાસમાં ખુલવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર શેખ સામે પણ ફરિયાદ
પત્રિકામાં મુદ્રકનું નામ-સરનામુ અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવાતા કાર્યવાહી
રાજકોટ,તા. 28 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના મતો અંકે કરવા માટે ઉમેદવારો અને રાજકીય આગેવાનો એક પણ તક જતી કરતા નથી. અમદાવાદમાં દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે પણ મદદનીશ ચૂંટણી અધિકારીએ ફરિયાદ દાખલ કરી છે.
કોંગી ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પ્રચાર માટે છપાયેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામુ અને સંખ્યા નિયમ મુજબ દર્શાવ્યા ન હોવાનું આ ફરિયાદમાં જણાવાયેલ છે. મતદાન ઓછું થાય તેવા ઇરાદા સાથે જ આ પત્રિકામાં 8 થી 6નો સમય દર્શાવવામાં આવેલ છે. આ પ્રકરણમાં જ્યાં આ પત્રિકાનું છાપકામ થયેલ છે તે ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક પ્રકાશકની સામે પણ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે કોંગી ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે નિયમની જાણકારી વિના શરત ચૂકથી આ પત્રિકા છપાવી હોવાનો જવાબ રજૂ કર્યો છે.
જેને મંદિર બનાવવું હોય તે ભાજપમાં રહે અને મસ્જિદ બનાવવી હોય તે કોંગ્રેસમાં જાય
પાટણમાં ભાજપના ઉમેદવારની સભા વિવાદિત નિવેદન ઉછળ્યું
રાજકોટ,તા. 28 : વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર કલાકો જ બાકી રહ્યા હોય રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. અનેક જગ્યાઓ પર ઉમેદવારો વચ્ચે તણખા ઝરવાની ઘટનાઓ પણ ઘટી રહી છે. આ દરમિયાન પાટણમાં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈની ચૂંટણી સભામાં મનોજ પટેલે વિવાદિત નિવેદન આપતા આ નિવેદન રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામેલ છે.
મનોજ પટેલે આપેલા તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે જેઓને મંદિર બનાવવું હોય એ ભાજપમાં રહે અને જેને મસ્જીદ બનાવવી હોય તે કોંગ્રેસમાં જાય. આમ આ ચૂંટણીમાં વધુ એક વાર હિન્દુ-મુસ્લીમનો મુદ્દો ઉછળ્યો છે. મનોજ પટેલનું આ વિવાદિત નિવેદન વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે.