(વિપુલ હિરાણી) રાજકોટ,તા.28 : વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચરમસીમાએ પહોંચ્યો છે તેવા સમયે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવતા તેમને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને સ્ટેન્ડ મુકવામાં આવતા તેઓની તબીયત સારી હોવાનું કોંગ્રેસ વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલે હોસ્પિટલના બિછાનેથી વિડીયો સંદેશ વહેતો મુકયો છે. જેમાં તેઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખંભો દુ:ખતા મને એટેક આવતો હતો મને પોતાને ખબર હતી કે મને એટેક આવે છે. તેમ છતા સૌનું કરુ છું. મુંઝાતા નહી બધા સમાજને વિનંતી કે રેવતભાઈ તમારો છે સ્ટેન્ડ મુકયુ હોવાથી તમારી વચ્ચે નથી પણ કાલથી તમારી વચ્ચે આવીશ મને ચૂંટણીને કારણે એટેક આવ્યો નથી ગત તા.6ના રોજ મને એક એટેક આવ્યો હતો તમે ખુશીથી રહો આપણી જીત નકકી છે.
ઉમેદવાર રેવતસિંહ ગોહિલને ખાનગી દવાખાને ખસેડાયા હોવાની જાણ પણ જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યક્રરો હોસ્પિટલ ખાતે ખબર અંતર પુછવા દોડી ગયા હતાં. તેઓ હવે સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે. રેવતસિંહ ગોહિલે એક વિડીયો જાહેર કરી લોકો અને કાર્યકરોને ચિંતા નહી કરવા અને તેઓ વહેલી તકે લોકોની આવશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ સામે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.