રાજકોટ. તા.28 : એરપોર્ટ રોડ પર આવેલ પ્રેટ્રીયાસ્યુટ હોટલમાં રોકાયેલા અમદાવાદના જ્યોતિષને એટેક આવતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગેની વધું વિગત અનુસાર, અમદાવાદ અને દમણ રહેતાં તુષારભાઈ પુષ્કરરાઇ ઓમી (ઉ.વ.68) ગતરોજ સવારે રાજકોટ એક પ્રસંગમાં આવ્યા હતાં. તેઓ એરપોર્ટ રોડ પર આવેલ પ્રેટ્રીયાસ્યુટ હોટલમાં રૂમ નં.204 માં રોકાયા હતાં.
જ્યાં તેમને સાંજના એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. બનાવ અંગે હોટલના સ્ટાફને જાણ થતાં તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ દોડી ગયાં હતાં અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી તેના પરિવારને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક જ્યોતિષીનું કામ કરતાં હતાં,અને તેઓ રાજકોટ પ્રસંગમાં આવ્યા હતા. તેમજ તેમને સંતાનમાં એક પુત્રી છે જે કેનેડા રહે છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.