રાજકોટ,તા. 28 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે જ્યારે ભાજપના રાષ્ટ્રીયથી લઇ પ્રદેશ અને છેક વોર્ડ કક્ષાના નેતાઓ અને કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઇને તેમના માટે એક નવા વિશ્ર્વાસનું વાતાવરણ સર્જી રહયા છે તે સમયે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી પોલીટીકલ ટુરીઝમ જેવી સ્થિતિ બનાવી છે તેના પર આકરો પ્રહાર કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એક તરફ રાહુલ ભારત જોડો યાત્રા કરે છે તો બીજી તરફ પાડોશમાં જ રાજસ્થાનમાં કોંગ્રેસ તોડવા માટે નેતાઓએ સ્પર્ધા કરી છે. રાહુલ ગાંધીએ પહેલા પાર્ટીને જોડવી જોઇએ.
ગઇકાલે રાજકોટમાં એક પત્રકાર પરિષદમાં શ્રી રવિશંકર પ્રસાદે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એ ફ્રીલાન્સ પોલીટીશ્યન છે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં દોડી જાય છે. ગોવા, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિતના રાજ્યોમાં મતદારોએ તેમને જાકારો આપ્યો અને હવે તેઓ ગુજરાતમાં આવ્યા છે પરંતુ ગુજરાત એ દેશનું મોડલ સ્ટેટ છે અને તેથી જ આમ આદમી પાર્ટીને તેનું સ્થાન બતાવી દેશે. ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે શ્રી પ્રસાદનું સ્વાગત કર્યું હતું અને બાદમાં પત્રકારોના પ્રશ્ર્નનો જવાબ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું
કે દિલ્હીમાં મની લોન્ડ્રીંગમાં ફસાયેલા ‘આપ’ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં જલસા કરે છે હજુ સુધી તેનું રાજીનામુ લેવાયું નથી અને પગાર પણ મેળવે છે અને અરવિંદ કેજરીવાલ કટ્ટર ઇનામદારીનો દાવો કરે છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરુ કરતા પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માથુ ટેકવવું જોઇએ કે જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 566 રજવાડાઓને એક કર્યા એ ભારત જોડો છે. આજ સુધીમાં સોનિયા કે રાહુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા નથી કારણ કે તેમને ગુજરાતના નેતાઓ પ્રત્યે નફરત છે. શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ શાસનમાં છે અને ફરી ચૂંટણી જીતવાનું છે. એન્ટીઇન્કમબન્સી જેવી કોઇ સ્થિતિ ગુજરાતમાં નથી અને ભાજપ ફરી એક વખત સત્તા પર આવશે.