રાજકોટ : રાજકોટ -68ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડને ઉપલાકાંઠાના રાજપુત સમાજ દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. કારડીયા રાજપુત સમાજ બેડીપરા દ્વારા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને સમાજના આગેવાન વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે અજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે આપણે ચૂંટણી એટલા માટે લડીએ છીએ કે ઉમેદવાર ભારત માતાને સશક્ત બનાવે અને લોકોની સુવિધા માટે તે કામગીરી બજાવે. ભાજપે રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતો પક્ષ છે. જે તે કહે તે કરે છે. જે થઇ શકે તે જ કહે છે. ખોટા વાયદાઓ આપતો નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વગુરુ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે.
► પૂર્વના મતદારોને વિવિધ વિકાસ યોજનાઓનો લાભ આપીશ-ઉદયભાઈ કાનગડ
ત્યારે વડાપ્રધાનશ્રીના હાથ મજબૂત કરવા માટે આપણે ભાજપના ચારેય ઉમેદવારોને બહુમતિથી ચૂંટી કાઢવા માટે સહિયારા પ્રયાસો કરવા જોઇએ.ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડે આ તકે સમાજનો આભાર માનીને જણાવ્યું હતું કે ઉપલા કાંઠાને વિકાસનો વિવિધ યોજનાઓનો લાભ મળે અને સર્વે સમાજને સાથે લઇને આગળ વધવા ખાતરી આપી હતી.
મતદાર વિસ્તારના ઇન્ચાર્જ અને સમાજના અગ્રણી કિશોરભાઈ રાઠોડે પણ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું.આ પ્રસંગે સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, અનિલભાઈ તડાવીયા, સમાજના આગેવાનો ચંદુભા પરમાર, કોર્પોરેટર રસિલાબેન સાકરીયા, પડધરીના પ્રવિણભાઈ હેરમા, મોરબીના પ્રભારી અજયભાઈ પરમાર અને સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.