તરઘડીમાં આડાસબંધનો કરૂણ અંજામ: યુવાનની હત્યા કરી લાશ દાટી દીધી

28 November 2022 06:14 PM
Rajkot Crime
  • તરઘડીમાં આડાસબંધનો કરૂણ અંજામ: યુવાનની હત્યા કરી લાશ દાટી દીધી

► ‘દ્શ્યમ’ ફિલ્મ જેવી ક્રાઇમની ઘટનાથી ચકચાર

રાજકોટ,તા.28 : રાજકોટ જિલ્લાના પડધરીના તરઘડીમાં દર્શયમ ફિલ્મ જેવી ક્રાઇમની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.તરઘડીમાં રહેતા યુવાનને તેના ગામમાં રહેતી ભરવાડ પરિણીતા સાથે આડા સબંધ હોય તેનો ખાર રાખી પરિણીતાના પતિ,તેમના દિયર અને રાજકોટના કુવાડવામાં રહેતી યુવતીએ ગવરી દડમાં મળવા બોલાવી પાઇપના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી હતી અને લાશને તરઘડી ગામમાં દાટી દીધી હતી.પડધરી પોલીસે સઘન તપાસ બાદ રાજકોટની યુવતી અને પરિણીતાના દિયરને સકંજામાં લઈ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

► બે વર્ષ પહેલાં આરોપી શૈલેષ ભરવાડની પત્નીને ગામમાં રહેતો ગૌતમ ગોહેલ ભગાડી ગયો હતો: બંને જ્ઞાતિના આગેવાનોએ ભેગા મળી સમાધાન કરાવ્યું

તેમજ તેમના ફોરિેન્સક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.તેમજ મૃતકના પિતાની ફરિયાદ પરથી ત્રણ વ્યક્તિ સામે હત્યા,કાવતરું,એટ્રોસિટી એકટ તેમજ પુરાવાના નાશ કરવા અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. બનાવની વિગતો મુજબ,પડધરીના તરઘડીમાં રહેતા જેન્તીભાઈ ગેલાભાઈ ગોહેલ(ઉ.વ.52)એ ફરિયાદમાં તેમના ગામમાં જ રહેતા શૈલેશ લક્ષ્મણ ઉર્ફે કાળૂ ઝાપડા(ભરવાડ),તેનો સગો ભાઈ સાગર અને રાજકોટના કુવાડવામાં રહેતી મધુબેન હેમાભાઈ ગોહેલનું નામ આપતા તેમની સામે કલમ 302,201,120(બી) અને એટ્રોસીટી એકટ હેઠળ પડધરી પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.પોલીસે મધુ અને સાગરને સકંજામાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેન્તીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ મજૂરી કામ કરે છે.તેમના પુત્રનું નામ ગૌતમ(ઉ.વ.23)છે.

► શૈલેષને કાંટાની જેમ ખૂંચતા ગૌતમનું ઢીમ ઢાળી દેવા સગા ભાઈ સાગર ભરવાડ અને કુવાડવાની મધુ ગોહેલે કાવતરુ ઘડ્યું: ગઈ તા.14/11ના રોજ ગવરીદડમાં મળવા બોલાવી પાઇપના ઘા મારી ગૌતમની હત્યા નિપજાવી

તે પણ મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.પુત્ર ગૌતમને ગામમાં રહેતા શૈલેશ ભરવાડ નામના વ્યક્તિની પત્ની સાથે સબંધ હોય જેથી ગૌતમ તેણીને બે વર્ષ પહેલાં ભગાડી ગયો હતો.ત્યારબાદ તેઓ અલગ અલગ જગ્યાએ ફરતા હતા.બાદમાં તેઓ પોલીસના હાજર થયા બાદ બંને જ્ઞાતિના આગેવાનોએ બેઠક કરી બન્નેના પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેમ છતાં પરિણીતાના પતિ શૈલેશને ખાર હોય જેથી તેમણે તેમના નાનાભાઈ સાગર અને રાજકોટના કુવાડવા રહેતી મધુ હેમા ગોહેલ સાથે મળી ગૌતમનો કાંટો કાઢવાનું કાવતરું ઘડ્યું અને ગઈ તા.14/11ના રોજ ગૌતમને ગવરીદડમાં સમાધાન માટે બોલાવતા ગૌતમ ત્યાં જતા જ શૈલેશ અને તેનો ભાઈ સાગર અને રાજકોટની મધુએ પાઇપ વડે ખૂની હુમલો કર્યો હતો અને ત્યાં જ ગૌતમની હત્યા નિપજાવી હતી

► પડધરી પોલીસે શૈલેષ ભરવાડ,તેના ભાઈ સાગર ભરવાડ અને રાજકોટની મધુ ગોહેલ વિરૂદ્ધ હત્યા,કાવતરુ,પુરાવાનો નાશ કરવો તેમજ એટ્રોસીટી હેઠળ કાર્યવાહી:સાગર અને મધુ સકંજામાં

તેમજ ગૌતમને માથામાંથી લોહી નીકળતા તેને પ્લાસ્ટિકની કોથળી બાંધી તરઘડીમાં આવેલા ઢોરના વાડામાં લાશને દાટી દીધી હતી. ગૌતમ બીજા દિવસે ઘરે ન આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી ત્યારબાદ પડધરી પોલીસમાં ગુમનોંધ પણ કરાવી હતી.ત્યારબાદ પડધરી પોલીસે તપાસ કરતા ગૌતમનો મૃતદેહ તરઘડી માં દાટી હોવાનું માલુમ પડતા જ પોલીસે મૃતકના પરિવાર અને મામલતદારને સાથે ઘટનાસ્થળે જઇ ખોદકામ કરતા ગૌતમની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.તેમનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા તેમને માથામાં પાઇપના ઘાના નિશાન હતા જેથી મૃતકના પિતા જેન્તીભાઈની ફરિયાદ પરથી ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી મધુ અને સાગરને સકંજામાં લઈ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.

શૈલેશે અને સાગરે પોતાના ઢોરના વાડામાં જ ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો જેથી કોઇને શંકા ન જાય
પત્ની સાથે આડાસબંધ ધરાવનાર ગૌતમનો કાંટો કાઢી નાખવા શૈલેશે ભાઈ સાગર અને રાજકોટના કુવાડવામાં રહેતી મધુનો સંપર્ક કરી કાવતરું ઘડ્યું અને ગઈ તા.14/11ના રોજ ગવરીદડ બોલાવ્યો અને ત્યાં જ હત્યા કરી પુરાવાનો નાશ કરી શૈલેશે અને તેના ભાઇ સાગરે ઢોરના વાડામાં એક મોટો ખાડો ખોદી ત્યાં લાશને દાટી દીધી હતી અને કાંઈ બન્યું જ ન હોય તેમ તમામ બધા પોત પોતાના કામે લાગી ગયા હતા.

પિતાએ કરેલી ગુમનોંધ બાદ પોલીસે કોલડિટેઇલ તપાસતા મહત્વની કડી હાથ લાગી અને હત્યાનો ભેદ ઉકેલાયો
ગઈ તા.14/11ના રોજ ગૌતમ પોતાના મિત્રનું બાઇક લઈ રાજકોટ જાવ છું તેમ કહી ઘરેથી ગયા બાદ રાત પડી પરંતુ ગૌતમ ઘરે ન આવતા પરિવારે શોધખોળ કર્યા બાદ પિતાએ પડધરી પોલીસના ગુમનોંધ કરાવી હતી અને બાદમાં પડધરી પોલીસે ભૂતકાળ તપાસતા ગામમાં જ રહેતા શૈલેશ ભરવાડની પત્ની સાથેના આડાસબંધ અંગેની માહિતી મળી તેમજ ગૌતમના કોલ ડિટેઇલ તપાસતા છેલ્લો કોલ કુવાડવાની મધુનો કોલ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને મધુને સકંજામાં લઈ પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને પોતે ગૌતમને કોલ કરી મળવા બોલાવ્યો અને શૈલેશ અને સાગરે તેનું ઢીમ ઢાળી દીધું હતું.ત્યારબાદ સાગરને પણ સકંજામાં લીધો હતો.

ગૌતમ બે ભાઈ એક બહેનમાં મોટો અને મજૂરી કામ કરી ઘરમાં મદદરૂપ થતો’તો
તરઘડીના ગૌતમની આડાસબંધ મામલે હત્યા કરી દીધી હતી.આ બનાવમાં પડધરી પોલીસે ગુન્હો નોંધી એક યુવતી સહિત બે શખ્સોને પકડી લીધા હતા.મૃતક ગૌતમના માતાનું નામ મુક્તાબેન છે પોતે બે ભાઈ એક બહેનમાં મોટો હતો.તેમજ મજૂરી કામ કરી પરિવારને મદદ રૂપ થતો હતો તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

આરોપીઓ એ ’ક્રાઇમ પેટ્રોલ’ જોઈને હત્યાને અંજામ આપ્યો હોવાની શંકા
તરઘડીમાં આડા સબંધમાં ગૌતમ ગોહેલને મળવા બોલાવી તેની હત્યા નિપજાવી છે.આ કાવતરું ઘડવામાં સૌ પ્રથમ આરોપીઓ કયાંય શંકામાં ન આવે માટે ક્રાઇમ પેટ્રોલ જોયા બાદ ગૌતમની હત્યા કરી પુરાવાનો નાશ કર્યો હોય તેમજ બધા પોતાના કામે લાગી ગયા હતા જાણે કાંઈ બન્યું જ ન હોય પરંતુ પોલીસે કોલ ડિટેઇલ પરથી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement