બર્થ-ડે પાર્ટીમાંથી પરત ફરતા 150 ફૂટ રિંગરોડ પર કાર પલટી: મયુરનગરના પ્રતીક પટેલનું મોત

30 November 2022 11:31 AM
Rajkot Saurashtra
  • બર્થ-ડે પાર્ટીમાંથી પરત ફરતા 150 ફૂટ રિંગરોડ પર કાર પલટી: મયુરનગરના પ્રતીક પટેલનું મોત
  • બર્થ-ડે પાર્ટીમાંથી પરત ફરતા 150 ફૂટ રિંગરોડ પર કાર પલટી: મયુરનગરના પ્રતીક પટેલનું મોત

ચારેય મિત્રો ગોંડલમાં મિત્રના પુત્રની બર્થડે પાર્ટીની ઉજવણીમાં ગયા’તા:પરત ફરતી વેળાએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ત્રણ ગોથા ખાઈ ગઈ:અન્ય ત્રણ મિત્રોને ઘવાયેલી હાલતમાં સારવાર અર્થે ખસેડયા:યુવાનના મોતથી પરિવારમાં શોક

રાજકોટ,તા.29 : રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક પાસે વહેલી સવારે એક એસેન્ટ કાર પલટી ખાઈ જતા એસ્ટ્રોન સોસાયટી નજીક આવેલા મયુરનગરના પટેલ યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં બેઠેલા અન્ય ત્રણ મિત્રોને પણ ઇજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચારેય મિત્રો ગોંડલથી બર્થ ડેની ઉજવણીમાંથી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.આ આ અંગે માલવીયા નગર પોલીસ સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વધુ વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઉમિયા ચોકમાં આજે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે એક કાર પલટી ખાઈ જતા તેમાં બેઠેલા કારચાલક પ્રતીક મનસુખભાઈ કરકર(પટેલ)(ઉ.વ.30)(રહે.મયુરનગર-1,એસ્ટ્રોન સોસાયટી પાછળ)ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો રાજેશ દલસુખભાઈ વાઘેલા (ઉ.વ.24) (રહે.પુસ્કરધામ.રોડ),શનિભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે મૃતક પ્રતીકભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે માલવીયા પોલીસ મથકના સ્ટાફને જાણ કરવામાં આવતા એએસઆઈ વનિતાબેન બોરીચા અને સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો.ત્યાં પહોંચી મૃતક પ્રતીકભાઈના પરિવારનો સંપર્ક કરી જાણ કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા.યુવાન પુત્રનો મૃતદેહ જોતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. મૃત્યુ પામનાર પ્રતીક કલરકામનો કોન્ટ્રાકટર હતો તે પરિણીત હતો.તે તેમના મિત્રો સહિત ચારેય વ્યક્તિ ગોંડલમાં મિત્રના પુત્રના બર્થ ડે પાર્ટીની ઉજવણી હોય

તે પાર્ટી પુરી કરી રાજકોટ પરત ફરતા હતા ત્યારે ઉમિયા ચોક નજીક ચાલક પ્રતિકે કારના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસેન્ટ કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી.પ્રતીક બે ભાઈમાં મોટો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.જ્યારે ઘવાયેલા રાજેશ વાઘેલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રાજેશને સારવારમાં લઇ આવેલા સાહિલે જણાવ્યું હતું કે,રાજેશ છૂટક મજૂરી કામ કરે છે.તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ સમગ્ર બનાવ અંગે માલવીયા પોલીસ મથકના એએસઆઈ વનિતાબેન બોરીચાએ કાગળો કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement