આવતીકાલથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે! મોબાઈલના વોલેટમાં ડિઝીટલ રૂપિયાથી કામ ચાલી જશે!

30 November 2022 12:10 PM
India Technology
  • આવતીકાલથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે! મોબાઈલના વોલેટમાં ડિઝીટલ રૂપિયાથી કામ ચાલી જશે!

ભારતમાં દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈ, ભુવનેશ્વરમાં ઈ-રૂપીનો આરંભ થશે ત્યારબાદ અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદ્રાબાદ વગેરે શહેરોમાં આ સેવા શરૂ થશે: ડિઝીટલ રૂપિયા અનેક રીતે સુરક્ષિત-ચોરાઈ જવાનો ડર નહીં બેન્કોને લેવડ-દેવડમાં સરળતા, સરકારને નોટો છાપવાનો ખર્ચ ઘટશે, કાળા ધન પર લગામ કશાસે

નવી દિલ્હી તા.30 : ભારતીય રિઝર્વ બેન્ક આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બરથી ઈ-રૂપી અર્થાત રિટેલ ડિઝીટલ રૂપિયા લોન્ચ કરી રહ્યું છે, આ એક ટોકન રૂપે જાહેર થશે જેનો કરન્સી નોટ કે સિકકાની જગ્યાએ ઉપયોગ થશે, 1 નવેમ્બરે તે હોલસેલ ટ્રાન્જેકશન માટે લોન્ચ થયો હતો,

આપે હવે પાકીટમાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, ડિઝીટલ વોલેટમાં મોબાઈલ અને અન્ય ડિવાઈસમાં આ ડિઝીટલ રૂપિયા રાખી શકાશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે રિટેલ ડિઝીટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેકટ હાલ ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ભુવનેશ્વરમાં સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિઝીટલ કરન્સી)થી રિટેલ ઉપયોગ સાથે સંલગ્ન પ્રથમ પાયલોટ પરીક્ષણ કરવામાં આવશે.

ગ્રાહક ડિઝીટલ રૂપિયાની લેવડ-દેવડ ડિઝીટલ વોલેટથી કરી શકશે. ડિઝીટલ વોલેટ બેન્કમાંથી મળશે, જેને મોબાઈલ ફોન તેમજ અન્ય ડિવાઈસમાં રાખી શકશે. પ્રારંભમાં ડિઝીટલ લેવડ-દેવડ માટે સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક અને આઈડીએફસી ફર્સ્ટ બેન્કને પસંદ કરવામાં આવી છે.

આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ડિઝીટલ રૂપિયાનું ક્રિએશન ડિસ્ટ્રીબ્યુશન, ખરીદી અને ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયાને પારખવામાં આવશે. આ દરમિયાન જે જાણવા મળશે તેના અનુસાર ડિઝીટલ રૂપિયામાં ફેરફાર કરાશે.આરબીઆઈએ જણાવ્યું હતું કે ડિઝીટલ રૂપિયા કે ઈલેકટ્રોનીક રૂપિયા એક ડિઝીટલ ટોકનના રૂપમાં હશે જે લિગલ ટેન્ડર રહેશે. તેની વેલ્યુ કાગળની નોટની બરાબર જ રહેશે.

શું આમાં કોઈ વ્યાજ મળે છે?: પેપર નોટને બેન્કમાં રાખવાથી વ્યાજ મળે છે પણ રિટેલ ડિઝીટલ રૂપિયા પર ગ્રાહકોને કોઈ વ્યાજ નથી મળતું. જો કે બેન્કમાં જમા કરાવવા પર વ્યાજ મળશે.

કેવા હશે ડિઝીટલ રૂપિયા?: બેન્ક બિલકુલ પેપર નોટ જેવા આકારમાં જ ડિઝીટલ રૂપિયા જાહેર કરશે. તેને રાખવા માટે બેન્ક જ ગ્રાહકોને ડિઝીટલ વોલેટ ઉપલબ્ધ કરાવશે, જેને મોબાઈલ ફોન કે અન્ય ડિવાઈસમાં સ્ટોર કરી શકાશે.

કેવી રીતે થશે ઉપયોગ?: રિટેલ ડિઝીટલ રૂપિયાથી ગ્રાહક અરસપરસ લેવડ-દેવડની સાથે કોઈપણ દુકાનથી ખરીદી કરી શકશે. ખરીદી કરવા માટે દુકાનદારના કયુઆર કોડનો ઉપયોગ કરી શકાશે.

શું તે વધુ સુરક્ષિત છે?: જો કે ડિઝીટલ રૂપિયા આરબીઆઈ તરફથી બેન્કોને આપવામાં આવશે, જે લિગલ ટેન્ડર હશે. પેપર નોટની તુલનામાં ડિઝીટલ રૂપિયા રાખવામાં વધુ સુરક્ષિત રહેશે.

શું તે ક્રિપ્ટોકરન્સી જેવા છે?: ના. આ ક્રિપ્ટોકરન્સી જેવા નથી. કારણ કે ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય હંમેશા વધતુ-ઘટતુ રહે છે, જયારે ડિઝીટલ રૂપિયામાં આવું કંઈ નથી. અનેક રીતે લાભદાયી: ડિઝીટલ રૂપિયા અનેક રીતે લાભદાયી છે. બેન્કોને પૈસા હસ્તાંતરીત કરવામાં સરળતા રહેશે. સરકારને મુદ્દા છાપવાનો ખર્ચ ઘટશે, ગેરકાયદે-બોગસ કરન્સી પર રોક લાગશે, સરળતાથી ટેકસ વસુલી થઈ શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement