રાજકોટ, તા.30
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે રમાઈ રહેલા વિજય હઝારે ટ્રોફીના સેમિફાઈનલ મુકાબલામાં ટીમ સૌરાષ્ટ્ર જીતની અત્યંત નજીક પહોંચી ગઈ છે અને હવે ફાઈનલમાં પહોંચવા માટે 34 રનનું જ છેટું છે. જો સૌરાષ્ટ્ર આ મુકાબલો જીતી જશે તો 2017-18ની સીઝન બાદ 2022ની સીઝનમાં તે ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચશે. ચાર વર્ષ પહેલાં ફાઈનલ મુકાબલામાં સૌરાષ્ટ્રની ટક્કર કર્ણાટક સામે જ થઈ હતી જેમાં તેણે રનર્સઅપથી જ સંતોષ માનવો પડ્યો હતો.
આ મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. તેનો આ નિર્ણય સાચો પડ્યો હોય તેવી રીતે કર્ણાટકની ટીમ 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કર્ણાટક વતી સમર્થ આર.એ 88 રન બનાવ્યા હતા. આ સિવાય મયંક અગ્રવાલ (એક રન), શરથ (ત્રણ રન), નિકીન જોશ (12 રન), મનિષ પાંડે (0 રન), શ્રેયસ ગોપાલ (નવ રન), મનોજ ભાંગડે (22 રન), કૃષ્ણપ્પા ગૌથમ (0 રન), રોનિત મોરે (16 રન), વી.કૌશિક (4 રન) સૌરાષ્ટ્રના બોલર સામે વધુ સમય સુધી ટકી શક્યા નહોતા. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટે 10 ઓવરમાં માત્ર 26 રન આપી ચાર વિકેટ મેળવી હતી. આ ઉપરાંત કુશંગ પટેલે એક, પ્રેરક માંકડે બે અને પાર્થ ભૂતે એક વિકેટ મેળવી હતી.
172 રનના લક્ષ્યાંકના જવાબમાં સૌરાષ્ટ્રની શરૂઆત પણ અત્યંત ખરાબ રહી હોય તેવી રીતે 0 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી જેમાં હાર્વિક દેસાઈ અને શેલ્ડન જેક્શન ખાતું ખોલાવ્યા વગર પરત ફર્યા હતા. આ પછી જય ગોહિલ અને સમર્થ વ્યાસે બાજી સંભાળી લઈ સ્કોરને 75 રન સુધી પહોંચાડ્યો હતો. આ વેળાએ સમર્થ વ્યાસ 33 રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.
આ પછી જય ગોહિલ-પ્રેરક માંકડ સ્કોરને 128 રન સુધી લઈ ગયા હતા. આ વેળાએ પ્રેરક માંકડ 35 રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્ર જીતની એકદમ નજીક પહોંચી ગયું હતું. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે જય ગોહિલ 61 રન તો અર્પિત વસાવડા પાંચ રન બનાવીને રમતમાં છે.