નવીદિલ્હી, તા.30
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાયેલી ત્રીજી વન-ડે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે જ્યારે રમત અટકી ત્યારે મેજબાન ટીમે 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં એક વિકેટના ભોગે 104 રન બનાવ્યા હતા અને ડેવોન કોનવે 38 રન બનાવીને રમી રહ્યો હતો. જો કે વરસાદ સતત ચાલું રહેતાં આગળની રમત શક્ય બની શકી નહોતી અને અમ્પાયરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે રમતને રદ્દ કરવાનું એલાન કર્યું હતું.
ન્યુઝીલેન્ડે ફિન એલન (57 રન)ના રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી હતી. ડકવર્થ લુઈસ પદ્ધતિના હિસાબથી ન્યુઝીલેન્ડની ટીમ 50 રનથી આગળ ચાલી રહી હતી પરંતુ મેચને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછી 20 ઓવર રમાવી જરૂરી હતી. બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતીય ઈનિંગ 219 રને સંકેલાઈ ગઈ હતી. ત્રીજી મેચ રદ્દ થવાની સાથે જ ન્યુઝીલેન્ડે ટી-20 શ્રેણી ગુમાવ્યા બાદ વન-ડે શ્રેણી 1-0થી પોતાના નામે કરી લીધી છે. હેમિલ્ટનમાં જ શ્રેણીની બીજી વન-ડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.
આ પહેલાં ભારત વતી શ્રેયસ અય્યરે 49 તો વોશિંગ્ટન સુંદરે 51 રન બનાવ્યા હતા જ્યારે બાકીના બેટરો શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, શુભમન ગીલ સહિતના લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને ફટાફટ પોતાની વિકેટ ગુમાવી હતી.