રાજકોટ, તા.1
ગોંડલ અતિ સંવેદનશીલ બેઠક પર સૌની નજર છે ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રિબડા પહોંચ્યાં હતા, આ તરફ અનિરૂદ્ધસિંહ જાડેજાએ મતદાનમાં કિન્નખોરીનો આક્ષેપ કર્યો હતો.
આ તરફ રીબડા ખાતે પેરા મિલ્ટ્રી ફોર્સના જવાનો તેમજ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. રીબડા પ્રાથમિક શાળા ખાતે વધારાની એક એસઆરપી ટીમ તૈનાત કરવામાં આવી છે. રીબડામાં કુલ 1251 મતદારો સમાવેશ થાય છે. જેમાં બુથ નંબર 1 માં 549 અને બુથ નંબર 2 માં 702 મતદારોનો સમાવેશ થાય છે.
જયરાજસિંહે રીબડા પહોંચી એ સમયે બધું યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આ તરફ અનિરુદ્ધ સિંહે જણાવ્યું કે, રિબડાના મતદાન મથકથી મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે. કિન્નખોરી કરવામાં આવી રહી છે.
અનિરૂધ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રિસાઇન્ડીંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ હોય એ રીતે વર્તન કરે છે. વયોવૃધ્ધ મતદારો મતદાન કરવા આવે ત્યારે તેમને પકડવા પડે છે. ત્યારે તે ચાલી શકે છે.
તેમને ટેકો આપવા આવેલા લોકોને પ્રિસાઇન્ડીંગ ઓફિસર બહાર જતા રહેવા કહે છે. રીબડામાં ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરાઇ નથી. જયરાજસિંહ સવારે મતદાન મથકમાંથી મીડિયાને ઇન્ટરવ્યુ આપે છે જયારે હવે અમે આવ્યા ત્યારે મીડીયાને મતદાન મથકથી દુર જતા રહેવા કહેવાયું છે. આ કિન્નાખોરી છે. આમ અનિરૂધ્ધસિંહની ત્યાં હાજર ચૂંટણી અધિકારીઓ અને પોલીસ સાથે રકઝક થઇ હતી.