રાજકોટ, તા.1 : કેપ્ટન જયદેવ ઉનડકટની વેધક બોલિંગ અને પ્રેરક માંકડના ઑલરાઉન્ડ પ્રદર્શનથી સૌરાષ્ટ્રે વિજય હઝારે ટ્રોફીના સેમિફાઈનલ મુકાબલામાં કર્ણાટકને પાંચ વિકેટે હરાવીને ફાઈનલમાં વટભેર એન્ટ્રી મેળવી છે જ્યાં તેનો મુકાબલો આવતીકાલે અમદાવાદમાં મહારાષ્ટ્ર સામે થશે.
જયદેવ ઉનડકટે કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલ (1 રન) અને વિકેટકિપર-બેટર બી.આર.શરત (3 રન)ને સસ્તામાં આઉટ કરીને સૌરાષ્ટ્રને શ્રેષ્ઠ શરૂઆત અપાવી હતી આ પછી પ્રેરક માંકડે નિકિન જોશ અને મનિષન પાંડેને ચાર બોલમાં આઉટ કરીને 19 ઓવરમાં કર્ણાટકનો સ્કોર ચાર વિકેટે 47 રન કર્યો હતો. કર્ણાટકના સાત બેટર બે આંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા અને આખી ટીમ 49.1 ઓવરમાં 171 રને સંકેલાઈ ગઈ હતી. જવાબમાં પૂર્વ ચેમ્પિયન સૌરાષ્ટ્ર જય ગોહિલની 61 રનની ઈનિંગની મદદથી 36.2 ઓવરમાં પાંચ વિકેટે 172 રન બનાવીને જીત મેળવી હતી.
જય ગોહિલે પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. જ્યારે પ્રેરક માંકડે 35 રન તો સમર્થ વ્યાસે 33 રનનું યોગદાન આપ્યું હતું. પ્રેરક માંકડે જય ગોહિલ સાથે 53 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. આ પહેલાં ઓપનિંગ બેટર રવિકુમાર સમર્થે 135 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 88 રનની ઈનિંગ રમી પરંતુ બીજા છેડે સતત વિકેટે પડવાનું ચાલું જ રહ્યું હતું. તે જયદેવ ઉનડટકનો ત્રીજો શિકાર બન્યો હતો.
મેચ બાદ જયદેવ ઉનડકટે કહ્યું કે આ શાનદાર અહેસાસ છે જ્યારે અમે નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી તો અમે યોગ્ય સમયે પ્રભાવ છોડવા માંગતા હતા. આનાથી શ્રેષ્ઠ કશું જ ન હોઈ શકે. બેટ-બોલ બન્નેથી અમારા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મને લાગે છે કે ટોસ જીત્યા બાદ મારે ઝડપથી વિકેટ લેવાની જરૂર હતી. આ ટૂર્નામેન્ટમાં મેં જે રીતે બોલિંગ કરી છે તેનાથી મારો આત્મવિશ્ર્વાસ વધ્યો છે.