મેસ્સીએ રચ્યો ઈતિહાસ: આર્જેન્ટીના સુપર-16માં: હારવા છતાં પોલેન્ડ પ્રિ-ક્વાર્ટર માટે ક્વોલિફાય

01 December 2022 12:29 PM
Sports World
  • મેસ્સીએ રચ્યો ઈતિહાસ: આર્જેન્ટીના સુપર-16માં: હારવા છતાં પોલેન્ડ પ્રિ-ક્વાર્ટર માટે ક્વોલિફાય

મેસ્સીએ ગોલ ન કર્યો પરંતુ વર્લ્ડકપમાં સૌથી વધુ 22 મુકાબલા રમનારો પ્રથમ ખેલાડી બન્યો: આર્જેન્ટીના વતી એલેક્સિસ એલિસ્ટર અને અલ્વારેઝે ફટકાર્યા ગોલ

નવીદિલ્હી, તા.1 : કતારની મેજબાનીમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં ગત મોડીરાત્રે ગ્રુપ-સીની બે મોટી મેચ રમાઈ હતી જેમાં લિયોનેલ મેસ્સીની આગેવાનીવાળી આર્જેન્ટીનાની ટીમનો રોમાંચક મુકાબલો રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમ પૉલેન્ડ સામે થયો હતો જેમાં મેસ્સીની ટીમ 2-0થી જીતી હતી. આ જીત સાથે જ આર્જેન્ટીનાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. હવે સુપર-16માં આર્જેન્ટીનાનો મુકાબલો ગ્રુપ-ડીની બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સામે થશે. જ્યારે બીજી મેચમાં મેક્સિકોની ટીમે સઉદી અરબને 2-1થી કારમો પરાજય આપ્યો હતો.

આ મેચ જીતીને મેક્સિકોની ટીમે પોઈન્ટસ મામલે પોલેન્ડની બરાબરી જરૂર કરી લીધી પરંતુ ગોલના અંતરને કારણે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. આ રીતે ગ્રુપ-સીમાંથી મેક્સિકો અને સઉદી અરબની ટીમ બહાર થઈ ચૂકી છે તો પોલેન્ડે સુપર-16 માટે ક્વોલિફાય કર્યું છે જ્યાં તેનો મુકાબલો ડિફેન્ડીંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે થશે. પોલેન્ડ વિરુદ્ધ મુકાબલામાં મેસ્સી પોતાના જૂના રંગમાં જોવા મળ્યો નહોતો. તે મેચમાં પેનલ્ટીને ગોલમાં તબદીલ કરવાથી ચૂકી ગયો હતો. આમ છતાં મેસ્સીની ટીમ ઘણી જ દમદાર જોવા મળી હતી. આખી મેચમાં આર્જેન્ટીનાએ પોલેન્ડ ઉપર દબાણ બનાવી રાખ્યું હતું.

એવું લાગી રહ્યું હતું જાણે આર્જેન્ટીનાની ટીમ પોલેન્ડના ગોલ પોસ્ટ પાસે જ રમી રહી છે ! આ મેચમાં ઉતરતાની સાથષ જ મેસ્સીએ ઈતિહાસ રચી દીધો છે. તે આર્જેન્ટીના માટે વર્લ્ડકપમાં સૌથી વધુ 22 મેચ રમનારો ખેલાડી બન્યો છે. આ મામલે તેણે લેજન્ડ મેરેડોનાને પાછળ છોડી દીધો છે. આર્જેન્ટીના અને પોલેન્ડ વચ્ચે મુકાબલો પ્રથમ હાફમાં ગોલ વગર બરાબરી પર રહ્યો હતો પરંતુ બીજો હાફ શરૂ થવાની સાથે જ આર્જેન્ટીના ટીમે પોતાની ગેમને વધુ આક્રમક બનાવી હતી. ટીમ માટે પ્રથમ ગોલ એલેક્સિસ એલિસ્ટરે 46મી મિનિટમાં કર્યો હતો મતલબ કે બીજો હાફ શરૂ થવાની સાથે જ પ્રથમ ગોલ કરી દીધો હતો.

આ પછી આર્જેન્ટીના માટે બીજો ગોલ જુલિયન અલ્વારેજે કર્યો અને ટીમને મજબૂત લીડ અપાવી હતી. આ ગોલ 67મી મિનિટમાં આવ્યો હતો. આ મેચમાં પોલેન્ડની ટીમ સંપૂર્ણ રીતે ડિફેન્ડિંગ પોઝિશનમાં જ જોવા મળી હતી પરંતુ મેચ બચાવી શકી નહોતી.મુકાબલામાં મેક્સિકોની ટીમે શાનદાર અંદાજમાં રમતા સઉદી અરબને કારમો પરાજય આપ્યો હતો. મેક્સિકોએ આ મુકાબલો 2-1થી પોતાના નામે કર્યો હતો. આ મેચ એટલો રોમાંચક હતો કે પ્રથમ હાફમાં કોઈ જ ગોલ થઈ શક્યો નહોતો પરંતુ બીજા હાફમાં રમત શરૂ થતાંની સાથે જ મેક્સિકો ટીમે પોતાનું આક્રમણ તેજ કરી દીધું અને તેનો ફાયદો પણ થયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement