નિયમોની ધજ્જીયા ઉડી: મતદારો મતદાન મથકની અંદર મોબાઈલ સાથે ગયા’ને વીડિયો પણ ઉતાર્યો !

01 December 2022 03:19 PM
Rajkot Elections 2022 Politics
  • નિયમોની ધજ્જીયા ઉડી: મતદારો મતદાન મથકની અંદર મોબાઈલ સાથે ગયા’ને વીડિયો પણ ઉતાર્યો !

કોઈએ ભાજપને મત આપતાં હોય તેવો તો કોઈએ કોંગ્રેસ તો વળી કોઈએ આમ આદમી પાર્ટીને મત આપતાં હોય તેવો વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં વહેતો કરતાં દોડધામ: દર ચૂંટણીની જેમ આ વખતે પણ નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યાના તંત્રના દાવા પોકળ

રાજકોટ, તા.1
લોકશાહીના પર્વ સમું વિધાનસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને મતદારો ઉત્સાહભેર મતદાન કરી પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમુક મતદારો એવા પણ જોવા મળ્યા છે જેમને મતદાનની ફરજ બજાવવાની જગ્યાએ નિયમોની ધજ્જીયા ઉડાડવામાં જ રસ પડી રહ્યો છે.

કોઈ પણ મતદાર મતદાન મથકની અંદર પોતાનો મોબાઈલ લઈ ન જઈ શકે તેવો નિયમ દરેક ચૂંટણીમાં અમલી હોય છે પરંતુ ભાગ્યે જ તેનું પાલન થતું હોવાથી મતદાનની ગુપ્તતા જળવાતી હોતી નથી. આવા જ અમુક વીડિયો આજે રાજકોટ શહેરમાં થઈ રહેલા મતદાન દરમિયાન વાયરલ થતાં તંત્રમાં દોડધામ થઈ જવા પામી છે.

પાછલી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ સોશ્યલ મીડિયાનો એટલો પ્રભાવ નહોતો પરંતુ આ વખતે સોશ્યલ મીડિયા રાજકીય પક્ષો માટે મહત્ત્વનું હથિયાર સાબિત થયું હોય તેવી રીતે તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ મતદારો જાણે કે મતદાનની ગુપ્તતાને સમજી જ રહ્યા ન હોય તેવી રીતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતે કયા ઉમેદવારને મત આપ્યો છે તેનો વીડિયો ઉતારીને વાયરલ કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ મતદાર કોંગ્રેસના ઉમેદવાર સામેનું બટન દબાવી રહ્યો હોય તેવો મોબાઈલ વડે વીડિયો ઉતારી લીધો છે તો કોઈએ વળી ભાજપના ઉમેદવારને મત આપતો હોય તેવો વીડિયો ઉતારીને તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે.

અમુક અમુક મતદારોએ આમ આદમી પાર્ટીની તરફેણમાં મત આપ્યો હોય તેવો વીડિયો બનાવીને વાયરલ કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બીજી બાજુ તંત્ર દ્વારા મતદાન મથકની અંદર મોબાઈલ નહીં લઈ જવા દેવાના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહેલા દાવાનું પણ સૂરસૂરિયુ થઈ જવા પામ્યું છે કેમ કે જો નિયમોનું પાલન થતું હોય તો આ રીતે કોઈ મતદાર વીડિયો ઉતારી જ ન શકે.

બીજી બાજુ ચૂંટણી ફરજ પર રહેલા કર્મીઓ પણ જાણે કે ખુરશી ઉપર બેસવા માટે જ આવ્યા હોય તેવી રીતે મથકની અંદર શું ચાલી રહ્યું છે તેની ખરાઈ કરવાની તસ્દી નહીં લેવામાં આવી રહ્યાનું પણ અમુક અમુક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement