► તંત્રને કરાયેલી ફરિયાદ બાદ કોઈ પ્રકારની ગેરરીતિ નહીં થાય તેવી બાહેંધરી અપાતાં મામલો થાળે પડ્યો
► બોગસ મતદાન કરાવાઈ રહ્યાનું ધ્યાન પર આવતાં રિબડા ગ્રુપ દોડી ગયું બરાબર ત્યારે જ જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ ત્યાં હાજર હોવાથી બન્ને ગ્રુપ આમને-સામને આવી જતાં તણખા ઝર્યા: દાળિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
► મતદાનની છેલ્લી બે કલાક દરમિયાન બોગસ મતદાન થવાની શક્યતા હોવાથી રિબડા ગ્રુપ દરેક કેન્દ્ર ઉપર ફરી વળશે: અનિરુદ્ધસિંહની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત
રાજકોટ, તા.1
વિધાનસભાની ચૂંટણી માટે આમ તો 89 બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌની નજર અત્યારે ગોંડલમાં ચાલી રહેલા મતદાન ઉપર છે. પાછલા થોડા દિવસ દરમિયાન જયરાજસિંહ ગ્રુપ અને અનિરુદ્ધસિંહ ગ્રુપ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હોવાથી મતદાનના દિવસે અહીં માથાકૂટ થવાની આશંકા સેવાઈ રહી હતી જેને ધ્યાનમાં રાખી ગઈકાલથી જ અહીં મોટાપાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં દાળિયા ગામે આવેલા મતદાન કેન્દ્રમાં બોગસ મતદાન કરાવવામાં આવી રહ્યાનું ધ્યાન પર આવતાં જ રિબડા ગ્રુપ દોડી ગયું હતું. બરાબર આ સમયે જ જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ સહિતના હાજર હોવાથી બન્ને ગ્રુપ આમને-સામને આવી ગયા હતા અને મોટાપાયે માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દાળિયા ગામે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવતાં માથાકૂટે મોટું સ્વરૂપ લીધું નહોતું.
દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,દાળિયા ગામે બોગસ મતદાન થઈ રહ્યાનું ધ્યાન પર આવતાં જ રીબડાથી હું અને મારો પુત્ર દોડી ગયા હતા. આ પછી બોગસ મતદાન થઈ રહ્યાની ફરિયાદ ત્યાં ઉપસ્થિત ચૂંટણી અધિકારીને કરતાં તેમણે બાહેંધરી આપી હતી કે બોગસ મતદાન થવા દેવાશે જ નહીં. આ બાહેંધરી મળતાં મામલો થાળે પડ્યો હતો. જો કે તેના પહેલાં જયરાજસિંહના પુત્ર અને રિબડા ગ્રુપ વચ્ચે મોટાપાયે ચકમક ઝરી હતી.
અનિરુદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મતદાનની છેલ્લી બે કલાક દરમિયાન ગોંડલના કોલીથડ, અનીડા, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં બોગસ મતદાન કરવા માટે 25 જેટલી ગાડીઓ દોડાવવામાં આવી રહ્યાનું ધ્યાન પર આવતાં રિબડા ગ્રુપ પણ એલર્ટ થઈ ગયું છે અને દરેક કેન્દ્ર ઉપર વોચ રાખી રહ્યું છે. બપોરે 2 વાગ્યા પછી બોગસ મતદાનના અનેક ફોન આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
બીજી બાજુ દાળિયા ગામે બે બાહુબલી જૂથ વચ્ચે માથાકૂટ થયાનું ધ્યાન પર આવતાં જ તાત્કાલિક પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ બોગસ મતદાન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.