► ફીફા વર્લ્ડકપની સૌથી સફળ ગણાતી જર્મની ચારવાર ચેમ્પિયન બની ચૂકી છે, આ વખતે અંતિમ-16માં પણ ન પહોંચી શકી
નવીદિલ્હી, તા.2
ફિફા વર્લ્ડકપમાં જર્મનીના અભિયાનનો અંત આવી ચૂક્યો છે. 2014માં ચેમ્પિયન બન્યા બાદ સતત બીજા વર્લ્ડકપમાં ટીમ નૉકઆઉટ સુધી પહોંચી શકી નથી. ગ્રુપ-ઈના અંતિમ બે મુકાબલામાં જાપાનની ટક્કર સ્પેન અને જર્મનીની ટક્કર કોસ્ટારિકા સામે હતી. સ્પેનને જાપાન વિરુદ્ધ 2-1થી હાર મળી હતી જ્યારે જર્મનીએ કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું હતું. સ્પેન અને જર્મની બન્નેના ચાર-ચાર પોઈન્ટ થઈ ગયા આમ છતાં જર્મનીએ બહાર જવું પડ્યું છે.
જર્મની માટે ગ્રેબ્રિ (10મી મિનિટ), કાઈ હાવર્ટઝ (73મી અને 85મી મિનિટ), ફુલક્રુગ (89મી મિનિટ)એ ગોલ કર્યા હતા. જ્યારે કોસ્ટારિકા માટે તેજેદા (58મી મિનિટ) અને જુઆન (70મી મિનિટ)એ ગોલ કર્યા હતા. આવી જ રીતે સ્પેન માટે અલ્વેરા મોરાટાએ ગોલ કરી ટીમને આગળ કરી દીધી પરંતુ રિતસુએ 48મી મિનિટ અને પછી તનાકાએ 51મી મિનિટમાં ગોલ કરી ટીમને જીતાડી દીધી હતી.
જાપાને ત્રણ મેચમાં બે જીત હાંસલ કરી છે અને છ પોઈન્ટ સાથે ટોપ પર રહ્યું છે. સ્પેન અને જર્મનીના ચાર-ચાર પોઈન્ટ હતા. બરાબર પોઈન્ટ હોવાથી ગોલના અંતરથી નિર્ણય લેવાય છે કે કઈ ટીમ આગલા રાઉન્ડમાં જશે. સ્પેને ત્રણ મેચમાં નવ ગોલ કર્યા છે તો પાંચ ગોલ ખાધાં છે. આવી જ રીતે જર્મનીએ છ ગોલ કર્યા છેતો પાંચ ગોલ ખાધાં છે. સ્પેનનું ગોલ અંતર +6 રહ્યું તો જર્મનીનું +1 જ રહ્યું હતું. આ જ કારણથી સ્પેને નોકઆઉટમાં જગ્યા બનાવી અને જર્મનીએ બહારનો રસ્તો પકડવો પડ્યો છે.
જર્મની ફિફા વર્લ્ડકપની સૌથી સફળ ટીમોમાં સામેલ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 22 ટૂર્નામેન્ટમાંથી 20માં ભાગ લીધો છે. ટીમે બ્રાઝીલ બાદ સૌથી વધુ ચાર ટ્રોફી મેળવી છે. માત્ર ત્રણવાર જ એવું બન્યું જ્યારે ટીમ નોકઆઉટમાં જગ્યા બનાવી શકી નથી. 2022 અને 2018 પહેલાં 1938માં ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. હવે અંતિમ-16માં જાપાનનો સામનો ક્રોએશિયા તો સ્પેનનો સામનો મોરક્કો સામે થશે.
વર્લ્ડની બીજા નંબરની ટીમ બેલ્જિયમ ફિફામાંથી બહાર
બેલ્જિયમ-ક્રોએશિયા વચ્ચેનો મુકાબલો ગોલરહિત ડ્રો રહેતા ક્રોએશિયા નોકઆઉટમાં પહોંચી ગયું અને બેલ્જિયમ ગ્રુપસ્ટેજમાંથી જ બહાર થઈ ચૂક્યું છે. અહમદ બિન અલી સ્ટેડિયમમાં દુનિયાની બીજા નંબરની ટીમ બેલ્જિયમને આશ્ર્ચર્યજનક નિર્ણયો લીધા હતા. તેણે ટીમમાં રોમેલુ લુકાકુ અને એડેન હેઝાર્ડ જેવા અનુભવી ખેલાડીઓને તક આપી નહોતી. ટીમને 21 વર્ષના મિડફિલ્ડર અમાદૂ ઓનાનાની પણ કમી પડી હતી. બે યેલો કાર્ડ મળવાને કારણે ઓનાના સસ્પેન્ડ હતો. બેલ્જીયમ પાસે અંતિમ ત્રણ મિનિટમાં બેવાર ગોલ કરવાની સુવર્ણ તક હતી પરંતુ બન્નેવાર ચૂકી ગયો હતો.
અંતિમ-16ના એક સ્થાન માટે ત્રણ દિગ્ગજ ટીમો દાવેદાર
ગ્રુપ-જીમાંથી બ્રાઝીલે નોકઆઉટમાં પહેલાંથી જ જગ્યા બનાવી લીધી છે. આજે આ ગ્રુપના અંતિમ મુકાબલા રમાશે તો બાકીની ત્રણ ટીમો રાઉન્ડ ઑફ-16માં પહોંચવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે. જો કે ખુશ થવાની તક માત્ર એકને મળશે. ગ્રુપના પ્રારંભીક બન્ને મેચ જીતનારી બ્રાઝીલની ટીમ આજે કેમરુન વિરુદ્ધ ઉતરશે. બીજી બાજુ બે મેચમાં એક હાર અને એક ડ્રોનું પરિણામ મેળવનારી કેમરુન ટીમ આ મેચમાં કોઈ પણ ભોગે જીતવા માટે તાકાત લગાવી દેશષ. આ ગ્રુપમાં ત્રીજો મુકાબલો સ્વિત્ઝરલેન્ડ-સર્બિયા વચ્ચે રમાશષ જેમાં જીતનારી ટીમ અંતિમ-16માં પહોંચશે.