♦ મોડીરાતે બેઠકોનો દોર : ખુદ મોદીએ પરિસ્થિતિ પર ચિંતા કરી : પેઇજ સમિતિ વ્યવસ્થા સંપૂર્ણ ફલોપ ગઇ હોવાનો આડકતરો સ્વીકાર : રોડ-શો કે સભાઓની વાસ્તવિકતા ખુલ્લી પડી ગઇ
♦ બીજા તબક્કાની 93 બેઠકોમાં સૌથી વધુ ચિંતા ભાજપના જ બળવાખોરોની : મતદાનની ટકાવારી જો યથાવત રહે તો પક્ષને માટે મુશ્કેલ સ્થિતિના સંકેત
રાજકોટ,તા. 2
ગુજરાતમાં ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર થયેલા ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી દીધી છે અને સાંજે મતદાનના આખરી આંકડા આવવાનો પ્રારંભ થતા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતથી સીધા ગાંધીનગર દોડી ગયા હતા અને મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના ટોચના નેતાઓ સાથે રાજભવનમાં ચર્ચા કરી હતી. તથા હવે બીજા તબક્કાની જે 93 બેઠકો છે તેના પર મતદાન વધે તે માટે ચિંતા કરવાની આવશ્યકતા દર્શાવાઈ છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મધ્ય અને ઉત્તર ગુજરાતની પરિસ્થિતિની સમીક્ષા કરવા કમલમ ખાતે એક બેઠક બોલાવી છે અને તેમાં ખાસ કરીને પેઇજ પ્રમુખની વ્યવસ્થા કેમ અસરકારક થતી નથી તે અંગે પ્રશ્ર્ન પૂછાયો છે. એક તબક્કે પાટીલ પેઇજ પ્રમુખ વ્યવસ્થાને આધારે 182 બેઠકો જીતવા માટેની તૈયારી સાથે આગળ વધતા હતા પરંતુ હવે નીચા મતદાને ભાજપને નર્વસ નાઇન્ટીનની બહાર કાઢવાની ચિંતા વધી ગઇ છે. ખાસ કરીને આ 93 બેઠકોમાં ઉતર ગુજરાતમાં ભાજપને વધુ ચિંતા છે.
ગઇકાલે વડાપ્રધાને કરેલો રોડ-શો પણ અમદાવાદ માટે કદાચ બોધપાઠ બની શકે પરંતુ ઓછા મતદાનનો સંદેશ કે લોકોમાં ચૂંટણી પ્રત્યે કોઇ ઉત્સાહ નથી તે લાકડીયો તાર જો બાકીની 93 બેઠકો પર ફરી વળે તો પછી ભાજપ માટે ખરેખર ચિંતાનો પ્રારંભ થાય તે પણ ચર્ચાયું હતું અને આજે હવે દરેક 93 મત વિસ્તારમાં ફરી એક વખત પેઇજ પ્રમુખ વ્યવસ્થાને પક્ષ દ્વારા વધુ અસરકારક બનાવવાના ઉપાયો કરવામાં આવશે.
બીજી ચિંતા એ છે કે, હવેની 93 બેઠકોમાં વડોદરા સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ ભાજપના બળવાખોરો મેદાનમાં છે અને તેથી જ બળવાખોરો ઓછા મતદાનમાં વધુ ડેમેજ કરી શકે તે પણ શક્યતા નકારાતી નથી અને તેથી જ ભાજપની પૂરી મશીનરીને આજથી આ 93 બેઠકો પર કેન્દ્રીત થઇ જવા આદેશ અપાયા છે.